ભુજ, તા. 18 : શહેર સુધરાઈની અલગ-અલગ જગ્યા ખાતે કરોડોનાં વાહનો ભંગાર હાલતમાં પડયાં છે. લાંબા સમયથી પડેલાં આ વાહનોનો નિકાલ ન કરાતાં હવે તો ભંગારની કિંમતમાં પણ દિવસો દિવસ ઘટાડો થતો જતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ સુધરાઈની વાહન મરંમત શાખા મસમોટા મરંમતના બિલોને કારણે લાંબા સમયથી વિવાદમાં છે. મસમોટી કિંમતમાં આવેલા અથવા તો તંત્રની અન્ય કચેરી મારફતે મળેલા વાહનો થોડા સમયમાં જ ખોટકાઈ સુધરાઈની કોઈ શાખામાં ઊભી જાય અને સમયના વહેણની સાથે લાખેણા વાહનો ભંગાર હાલતમાં ફેરવાઈ જાય આ પ્રક્રિયા વર્ષોથી ચાલી આવે છે.

જાગૃત શહેરીજનોએ એવી પણ ટકોર કરી હતી કે, આપણે ખરીદેલા વાહનો અનેક વર્ષો સુધી ચાલતા હોય છે તો, સુધરાઈના નવા વાહનોનું પણ આયુષ્ય શા માટે ટૂંકું હોય છે, તેવો સવાલ ઊઠાવ્યો હતો. હાલમાં કરોડોની કિંમતનાં વાહનો વિવિધ જગ્યાએ ભંગારમાં વેચાવાની રાહ જોઈ રહ્યા છે. લાંબા સમયથી જેમના તેમ પડી રહેલા આ વાહનોની હવે તો ભંગાર કિંમતમાં પણ ઘટાડો થઈ સાવ પાણીના ભાવે વેચાશે તેવું જાગૃતો જણાવી રહ્યા છે. હાલમાં નગરપાલિકા કચેરી, ટાઉનહોલ, ઢોરવાડે તેમજ ઓપનએર થિયેટરમાં અનેક લાખેણા વાહનો ધૂળ ખાતા પડે છે. ખરેખર તો વાહન મરંમત શાખાની કામગીરી પર યોગ્ય દેખરેખ જરૂરી છે. કેમ કે, વાહનની બગડેલી કે, બગાડેલી મશીનરી, નવા ટાયરો સહિત અનેક વસ્તુનો યોગ્ય અને જવાબદારી ભર્યો રિપોર્ટ કરવામાં આવે અને તેની બેથી ત્રણ મિકેનિકના અભિપ્રાય લીધા બાદ જ ભંગારમાં રખાય તો સુધરાઈની તિજોરી પર મોટો ખર્ચ આવતા અટકી શકે. લાંબા સમયથી વાહન રિપેરિંગનો મુદ્દો મસમોટા બિલને પગલે ચર્ચામાં રહેતો આવ્યો છે ત્યારે અધિકારી-પદાધિકારીઓ શાખા પર ચાંપતી નજર રાખે તેવું જાગૃતો જણાવી રહ્યા છે.

