બ્રિજટાઉન, તા. 20 : ટીમ ઇન્ડિયાએ પોતાના સુપર એઇટ અભિયાનની શરૂઆત શાનથી કરી હતી અને આજે અહીં અફઘાનિસ્તાનને 47 રને કચડી નાખ્યું હતું. સૂર્યકુમાર યાદવના 28 દડામાં વિસ્ફોટક 53 રનના સહારે ભારતે 181 રન ખડક્યા બાદ સદાબહાર જસપ્રીત બુમરાહ (7 રનમાં 3 વિકેટ) એન્ડ કંપનીએ અફઘાનને 20 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ કરી નાખ્યું હતું. બુમરાહે ગુરબાઝ (11) અને હઝરતુલ્લાહ (2)ને સસ્તામાં આઉટ કરી દીધા બાદ અફઘાનિસ્તાન મેચમાં વાપસી કરી શક્યું નહોતું.
ગુલબદીન જામે એ પહેલાં જ કુલદીપનો શિકાર બન્યો હતો. તો ઓમરઝાઇ 26 રને જાડેજાના દડામાં આઉટ થયો હતો. નબીએ 14 રન કર્યા હતા. કુલદીપે 32 રનમાં બે, તો અર્શદીપએ 36 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. ભારત હવે 22મીએ બાંગલાદેશ સામે રમશે. અગાઉ ટોસ જીતીને પ્રથમ દાવ લેનાર ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની લાજવાબ અર્ધસદી (પ3) અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની 32 રનની મદદથી બ્રિજટાઉનની ધીમી પીચ પર અફઘાનિસ્તાનના બોલરોને હંફાવીને 8 વિકેટે 181 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવ્યો હતો.

સૂર્યકુમાર યાદવે સતત બીજી અર્ધસદી કરીને 28 દડામાં પ ચોગ્ગા અને 3 છગ્ગાથી પ3 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. તેના સાથમાં હાર્દિક પંડયાએ 24 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી ઉપયોગી 32 રન કર્યા હતા. આ બન્ને વચ્ચે પાંચમી વિકેટમાં 37 દડામાં 60 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. કપ્તાન રોહિત (8) શરૂઆતમાં આઉટ થયો હતો. આ પછી વિરાટ અને રિષભ વચ્ચે બીજી વિકેટમાં 2પ દડામાં 43 રનની ભાગીદારીથી ભારતની ઇનિંગ્સ સ્થિર બની હતી. જો કે પંત 11 દડામાં 4 ચોગ્ગાથી 20 અને વિરાટ 24 દડામાં 1 છગ્ગાથી 24 રને અફઘાનિસ્નાનના કપ્તાન રાશિદ ખાનના શિકાર બનતાં ભારતની ઇનિંગ્સ અસ્થિર બની હતી. શિવમ દૂબે પણ 10 રન સસ્તામાં આઉટ થયો હતો. આ પછી સૂર્યકુમારે બાજી સંભાળી લીધી હતી. અંતમાં અક્ષર પટેલ 6 દડામાં 12 રન કરી આખરી દડે રનઆઉટ થયો હતો. જાડેજાએ 7 રન કર્યા હતા. સમયાંતરે ખરતી વિકેટો વચ્ચે પણ ભારત અફઘાનિસ્તાનને 182 રનનો વિજય લક્ષ્યાંક આપવામાં સફળ રહ્યંy હતું. અફઘાન તરફથી રાશિદ ખાન અને ફઝલહક ફારૂકીને 3-3 વિકેટ મળી હતી.

