નવી દિલ્હી, તા. 30 : લોકસભામાં આજે કેન્દ્ર સરકારનાં વર્ષ 2024-2પ માટેનાં 48.21 લાખ કરોડ રૂપિયાનાં બજેટને મંજૂર કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોકસભાએ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરનાં બજેટને પણ ધ્વનિમતથી મંજૂરી આપી હતી. બજેટની ચર્ચાનો જવાબ આપતાં નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, અમારું લક્ષ્ય 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. આ બજેટ વિકસિત ભારત માટેનું છે અને તેને ભૌગોલિક હિસાબે જ બનાવવામાં આવ્યું છે.

વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આક્ષેપોનો જવાબ અપાતાં તેમણે કહ્યું હતું કે, `હલવા’ની પ્રથા બહુ જૂના સમયથી ચાલી રહી છે. તેની ટીકાએ બજેટની તૈયારી સાથે જોડાયેલા કર્મચારીઓનું અપમાન છે. તેમણે કહ્યંy હતું કે, આ નાણાકીય વર્ષમાં 48.2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. અમે દેશમાં સ્થિરતાનાં નિર્માણ માટે કામ કરી રહ્યા છીએ. હું એ સ્પષ્ટ કરી દેવા માગું છું કે, જો કોઈ રાજ્યનું નામ બજેટમાં લેવામાં ન આવ્યું હોય તો તેનો મતલબ એવો નથી કે તે રાજ્યને નાણાં જારી કરવામાં નથી આવ્યાં. વિપક્ષે આવી ખોટી ધારણા બનાવવી ન જોઈએ.
આંધ્ર અને બિહાર સિવાયનાં રાજ્યોની બજેટમાં અવગણના થઈ હોવાનાં આરોપોનો જવાબ આપતાં સીતારામને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનાં સમયે બજેટમાં કરવામાં આવેલી વાત મુદ્દે વિપક્ષ ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, 2004-0પનાં બજેટમાં 17 રાજ્યનાં નામ નહોતાં. 2009-10માં યુપી-બિહાર સિવાયનાં કોઈ રાજ્યનાં નામ લેવાયાં નહોતાં. 2010-11નાં બજેટમાં 19 રાજ્યનો કોઈ ઉલ્લેખ નહોતો. વર્ષ 2014-1પનાં બજેટમાં 10 રાજ્યનાં નામ લેવાયા નહોતાં. શું એ રાજ્યોને પણ કોઈ નાણાં અપાયાં નહોતાં ? એવો સવાલ તેમણે કોંગ્રેસ અને વિપક્ષને કરીને જવાબી હુમલો કર્યો હતો. હાલના બજેટ ખર્ચમાં રૂા. 48.21 કરોડની જોગવાઈ છે જે ગત વર્ષથી 7.3 ટકા વધુ છે.

