ગરબા રમજો, પણ હૃદયનો અવાજ પહેલા સાંભળજો

Reena Brahmbhatt
2 Min Read

ભુજ, તા. 3 : અહીંની જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના મેડિસીન વિભાગે આગામી નવરાત્રિના તહેવારો ટાંકણે થનગનતા યુવાનો માટે ગરબા રમજો પણ હૃદયનો ધબકાર સાંભળીને એવી ટિપ્સ આપી છે.

ડરવાની જરૂર નથી, પરંતુ રમતાં રમતાં સ્વસ્થ રહેવા અને હૃદયને સાચવવાની યોજના બનાવવા અનુરોધ કર્યો છે.મેડિસીન વિભાગના તબીબો ડો. યેશા ચૌહાણ તથા ડો. જયંતી સથવારાએ જણાવ્યું હતું કે, આજકાલ નાની વયે હૃદયરોગના હુમલાનું વધુ પ્રમાણ જોવા મળે છે.

- Advertisement -

healthy heart

જો કે, ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની આવશ્યકતા છે. નબળું હૃદય અને હૃદયની બીમારી હોય તો તેમણે આ વર્ષે ગરબા રમવાથી તો દૂર જ રહેવું જોઇએ તેવું તેમણે ઉમેર્યું હતું. તબીબોએ અન્ય બાબતોની સંભાળ માટે એક યાદીમાં જણાવ્યું હતું કે, નવરાત્રિમાં ગરબા રમવા બાબતે યુવાનોમાં થનગનાટ વધુ જોવા મળે છે, પરંતુ જે યુવાનોના પરિવારમાં નાની ઉંમરે કોઇને હૃદયરોગનો હુમલો આવ્યો હોય, પરિવારમાં કોઈને હૃદયની બીમારી હોય તો તેમણે સાવચેત થઇ જવાની જરૂર છે.

- Advertisement -

આવા યુવાનોએ પૂરતા ચેકઅપ બાદ જ રાસોત્સવમાં ભાગ લેવો જોઇએ અને તે પણ સાવધાની સાથે. પરિવારમાં હૃદયરોગનો ઇતિહાસ નથી છતાં હૃદય નબળું છે એ કેમ ખ્યાલ આવે તે અંગે તબીબોએ કહ્યું હતું કે, દાદરો ચડતાં થાક લાગે, થોડુંક ચાલવાથી પણ હાંફી જવાય, નાનો એવો શ્રમ કરવાથી શ્વાસ ચડે તો તરત ચેકઅપ કરાવી પછી જ ગરબા રમવાની તબીબની સલાહ અનુસરવી જોઇએ.

રમતી વખતે જો થાક લાગે, ક્યારે થયું ન હોય એવું શરીરમાં અને ખાસ કરીને છાતીમાં કંઇ જણાય તો તત્કાળ બેસી જવું અને તબીબનો સંપર્ક કરવો. ખાસ તો શરીરમાંથી પાણી ઓછું ન થાય તેની વિશેષ સંભાળ રાખવી. સાથેસાથે આયોજકોએ પણ પાણીની વ્યવસ્થા ખાસ ઊભી કરવાની જરૂરત છે. વ્યવસ્થાપકો એકાદ-બે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરે, એકાદ-બે વ્યક્તિને સી.પી.આર.ની તાલીમ અપાવે તેવો યાદીમાં અનુરોધ કરાયો?છે.

- Advertisement -
Share This Article