લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ ચરણમાં 58.34 ટકા મતદાન

Reena Brahmbhatt
4 Min Read

નવી દિલ્હી, તા. 1 : લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, આ સાથે જ દેશની તમામ લોકસભા બેઠક ઉપરના ઉમેદવારોના નસીબ ઇવીએમમાં સીલ થયાં છે. ચાર જૂને તમામ બેઠક ઉપર પરિણામ જારી કરવામાં આવશે. 2024ની લોકસભા ચૂંટણીમાં સરેરાશ 64.52 ટકા મતદાન થયું છે. સાતમા તબક્કામાં 57 બેઠક ઉપર મતદાન થયું હતું. જેમાં વારાણસી હાઇપ્રોફાઇલ બેઠક પણ સામેલ છે. જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ઉમેદવાર છે.

Lok Sabha Elect

- Advertisement -

સાતમા તબક્કામાં 58.34 ટકા મતદાન થયું હતું. જેમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે 69.89 ટકા, જ્યારે બિહારમાં સૌથી ઓછું 48.86 ટકા મતદાન નોંધાયું હતું. મતદાન દરમ્યાન પશ્ચિમ બંગાળનાં જયનગરમાં ઉશ્કેરાયેલી ભીડે રિઝર્વ ઇવીએમને તળાવમાં ફેંકી દીધું હતું. તો અન્ય એક સ્થળે ટીએમસી કાર્યકરો દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. સાતમા તબક્કામાં ઉત્તરપ્રદેશની 13 બેઠકમાં 54 ટકા, પંજાબની 13 બેઠક ઉપર 55.20 ટકા, પશ્ચિમ બંગાળની નવ બેઠક ઉપર 69.89 ટકા, બિહારની આઠ બેઠક ઉપર 48.86 ટકા, ઓરિસ્સાની છ બેઠક ઉપર 62.46 ટકા, હિમાચલ પ્રદેશની ચાર બેઠક ઉપર 66.56 ટકા, ઝારખંડની ત્રણ બેઠક ઉપર 67.95 ટકા અને ચંડીગઢમાં 62.80 ટકા મતદાન નોંધાયું હતું.

પશ્ચિમ બંગાળનાં જયનગર લોકસભા ક્ષેત્ર અંતર્ગત કેનિંગમાં ટીએમસી અને ભાજપ કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમ્યાન થયેલા પથ્થરમારામાં એક પત્રકારને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે જયનગરમાં જ ટોળાંએ રિઝર્વમાં રાખેલાં ઇવીએમને પાણીમાં ફેંકી દીધું હતું. જે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ટીએમસી કાર્યકરોએ મતદાતાઓને ધમકી આપી હતી. જેના કારણે ઉશ્કેરાયેલાં ટોળાંએ ઇવીએમને તળાવમાં ફેંકી દીધું હતું.

- Advertisement -

પશ્ચિમ બંગાળમાં જાદવપુર લોકસભા ક્ષેત્ર અંતર્ગત આવતા ભાંગરના સતુલિયા વિસ્તારમાં ટીએમસી ઉપર આઇએસએફ અને સીપીઆઇએમના કાર્યકર્તા અને સમર્થકો ઉપર બોમ્બમારાનો આરોપ લાગ્યો હતો. આ ઘટનામાં કથિત રીતે ઘણા આઇએસએફ કર્મી ઘાયલ થયા હતા. લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં ઘણા હાઇપ્રોફાઇલ નેતાઓનો સમાવેશ થતો હતો જેમાં પીએમ મોદી ઉપરાંત હમીરપુરથી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ડાયમંડ હાર્બરથી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી, પાટલીપુત્રથી લાલુપ્રસાદની પુત્રી મીસા ભારતી અને હિમાચલની મંડી બેઠકથી અભિનેત્રી કંગના રણૌત સામેલ છે. સાતમા તબક્કા દરમ્યાન ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પત્ની મલ્લિકા નડ્ડા સાથે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મત આપ્યો હતો અને લોકોને મતદાનનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર કંગના રનૌતે સાતમા તબક્કા માટે પોતાનો મત આપ્યા બાદ મંડીમાં ભાજપ કાર્યાલયમાં પૂજા કરી હતી, જ્યારે ભાજપ નેતા મિથુન ચક્રવર્તીએ બેલગાછિયામાં એક મતદાન કેન્દ્રએ મત આપ્યો હતો. લાલુ યાદવે રાબડી દેવી અને પુત્રી રોહિણી આચાર્ય સાથે મત આપ્યો હતો.

આ દરમ્યાન પંજાબમાં સુખબીર બાદલે પોતાના ત્રણ બાળક અને હરસિમરત બાદલ સાથે મત આપ્યો હતો જ્યારે કેન્દ્રીય મંત્રી અને હમીરપુરથી ભાજપ ઉમેદવાર અનુરાગ ઠાકુરે પત્ની શેફાલી ઠાકુર સાથે મત આપ્યો હતો. મતગણતરી વચ્ચે રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. ગર્વ છે કે લોકો અંગ દઝાડતી ગરમીમાં લોકતંત્ર અને સંવિધાનની રક્ષા માટે મત આપવા નીકળ્યા છે. ચાર જૂનનો સૂરજ દેશમાં એક નવી સવાર લાવવા જઈ રહ્યો છે. પીએમ મોદીએ અપીલ કરી હતી કે, લોકતંત્રના મહાપર્વમાં ઉત્સાહથી ભાગ લેવામાં આવે. તેઓને વિશ્વાસ છે કે, યુવા અને મહિલા મતદાતા મત આપવા માટે રેકોર્ડ સંખ્યામાં આગળ આવશે.

- Advertisement -
Share This Article