સરદાર સરોવરમાં 90 ટકા જળસંગ્રહ, પાણીનું સંકટ ટળ્યું

Reena Brahmbhatt
2 Min Read

ગાંધીનગરઃ વરસાદ કેટલો વરસે તેના કરતા મહત્વનું છે કે કેટલું પાણી જમીનમાં ઉતરે છે અને કેટલા પાણીનો સંગ્રહ થાય છે, જેથી ખેતી, ઉદ્યોગ અને સામાન્ય જનજીવન માટે આખા વર્ષ ભર માટે પાણીના પ્રશ્નો ન ઉદ્ભવે. ત્યારે ગુજરાત માટે આનંદના સમાચાર છે કે રાજયની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ 90 ટકા જેટલો ભરાઈ ગયો છે.

ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૦૦,૪૦૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૯.૯૨ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૪૬,૮૫૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૧.૯૨ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ,જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

- Advertisement -

dam sardar sarovar

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૯ જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે ૧૩ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય સરદાર સરોવર સહિત રાજ્યના ૪૦ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત ૨૦ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૪૧ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.

- Advertisement -

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવરમાં ૨,૬૭,૮૦૭ ક્યુસેક જ્યારે ઉકાઈ યોજનામાં ૬૦,૫૩૪ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૫.૩૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૫૩.૧૭ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૧.૪૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૫૦.૪૮ ટકા તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૯.૬૫ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.

Share This Article