નવી દિલ્હી, તા. 25 : વકફ સંશોધન વિધેયક સૂચનોના રૂપમાં સંયુકત સંસદીય સમિતિને મળેલાં સવા કરોડથી વધુ મેઇલની સંખ્યા સામે સવાલો સાથે વિવાદનો વંટોળ સર્જાયો છે.
કેન્દ્રમાં સત્તારૂઢ કેસરિયો પક્ષ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રતિનિધિઓએ આટલા મોટા આંકડાને આશ્ચર્યજનક લેખાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે કારસાની આશંકા સાથે તપાસની માંગ કરી હતી. સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ના વરિષ્ઠ સભ્ય તેમજ ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ બુધવારે મોટો દાવો કરતાં કહ્યું હતું કે, સૂચનોના આટલા ચોંકાવનારા આંકડા પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને ચીનનો હાથ હોઇ શકે છે.

દુબેએ સંયુકત સંસદીય સમિતિના અધ્યક્ષ જગદમ્બિકા પાલને પત્ર લખીને તપાસની માંગ સાથે દેશના ગૃહમંત્રાલયને પણ તપાસ કરાવવાની અપીલ કરી હતી. નિશિકાંતે વકફ સુધારા વિધેયક માટે આટલાં જંગી પ્રમાણમાં આવેલાં સૂચનોમાં કટ્ટરપંથી સંગઠનો, જાકીર નાઇક જેવા વ્યક્તિઓ, પાકની જાસૂસી એજન્સી આઇએસઆઇ તેમજ ચીન જેવી વિદેશી તાકાતોની સંભવિત ભૂમિકા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવકતા વિનોદ બંસલે પણ ષડયંત્રની આશંકા વ્યકત કરતાં કહ્યું હતું કે, આ `ઇ-મેઇલ જેહાદ’ છે. પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે જાકીર અને અન્ય ભારત વિરોધી જેહાદી તાકાતોનો પ્રવેશ સ્પષ્ટ રીતે સક્રિય જોવા મળ્યો હતો. દેશના લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ પણ વકફ સુધારા વિધેયક માટે આવેલાં સૂચનોની સંખ્યા માટે આશ્ચર્ય વ્યકત કર્યું હતું.

