ડ્રગ્સકાંડના સૂત્રધારની કોંગ્રેસ કડી, ભાજપે આ અંગે ખૂલાસો માગ્યો

Reena Brahmbhatt
2 Min Read

મુંબઈ, તા.03 : એક દિવસ અગાઉ દિલ્હીમાં આયોજિત પાર્ટીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું હતુ અને કોંગ્રેસની મુખ્ય આરોપી સાથે કડી સામે આવ્યા બાદ ગુરુવારે ભાજપે આ અંગે ખૂલાસો માગ્યો છે. ડ્રગ્સની કથિત હેરાફેરીમાં ધરપકડ કરાયેલો મુખ્ય આરોપી દિલ્હી યુથ કોંગ્રેસના આરટીઆઇ સેલનો પ્રમુખ હોવાનું જણાવીને ભાજપે કોંગ્રેસ પાસે આ બાબતે ડ્રગ ડીલરો સાથેના તેના સંબંધો અંગે સ્પષ્ટતા માગી છે. શુ કોંગ્રેસ દ્વારા તેના ચૂંટણી પ્રચારમાં ડ્રગ મનીનો ઉપયોગ થઇ રહ્યો છે ? કથિત કિંગપીન તુષાર ગોયલના વેપારનું વિસ્તરણ કયાં સુધી ફેલાયેલુ છે એ તપાસનો વિષય હોવાની વાત ભાજપના પ્રવકતા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જણાવી છે.

MD drugs

- Advertisement -

જો સંબંધ રાજકીય હોય કે નાણાંકીય હોય તો પણ જવાબ આપવાની જરૂર છે. કોંગ્રેસ નેતૃત્વની નિંદા કરતા અને ગોયલને પક્ષના હાઇકમાન્ડ દ્વારા જારી કરાયેલા નિમણૂંક પત્રને ટાંકીને ભાજપ સાંસદે જણાવ્યું હતું કે દેશને પૂછવાનો અધિકાર છે કે શુ ડ્રગ ડીલર અને કોંગ્રેસ વચ્ચે કોઇ વ્યવહાર થયા છે ? શુ ગોયલને ખાતરી આપવામાં આવી હતી કે જો પક્ષ સત્તા ઉપર આવશે તો હરિયાણામાં તેને છૂટો દોર મળશે ? ત્રિવેદીએ દાવો કર્યો હતો કે ગોયલ પાસે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કે.સી. વેણુગોપાલ અને દીપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે માત્ર તસવીરો નહીં પરંતુ તેમના મોબાઇલ નંબરો પણ હતા. કોંગ્રેસ પક્ષ તેમ જ પક્ષના યુનિટ હેડ અને હુડ્ડા પરિવારે ખૂલાસો કરવો પડશે કે કેમ હુડ્ડા સાથે ડ્રગ ડીલરની તસવીરો છે અને તેના ફોનમાં હુડ્ડાનો નંબર કેમ હતો ? દિલ્હી પોલીસે બુધવારે 560 કિલોથી વધુનું કોકેઇન અને 40 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો જેની બજાર કિંમત રૂ.5,620 કરોડ છે.

- Advertisement -
Share This Article