Mamata Banerjee Press Conference: પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો આવ્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી મંગળવારે પ્રેસને સંબોધિત કરી રહ્યા છે. જેમાં તેમણે ફરી એકવાર ૧૦૦ બેઠકો ચોરવાનો આરોપ લગાવ્યો. મમતા બેનર્જીએ કહ્યું કે અમે હાર્યા નથી. અમારી ૧૦૦ બેઠકો ચોરી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે અમારી લડાઈ ભાજપ સાથે નહોતી. આ ચૂંટણી પંચ સાથે હતી. મુખ્ય ચૂંટણી કમિશનર આ ચૂંટણીના ખલનાયક છે. લોકશાહી માટે આ એક કાળો દિવસ છે.
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે ચૂંટણીના બે દિવસ પહેલા ચૂંટણી પંચે અમારી પાર્ટીના કાર્યકરો અને નેતાઓની ધરપકડ કરી લીધી. ભાજપ અને ચૂંટણી પંચે મળીને અમારી સામે લડાઈ લડી છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ આમાં સામેલ છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે ઘણી ગંદી રમતો રમી છે. મેં આવી ચૂંટણી પહેલા ક્યારેય જોઈ નથી.
મમતા બેનર્જી બોલ્યા- INDIA બ્લોક મજબૂત છે
મમતા બેનર્જીએ કહ્યું કે કાલે સોનિયા જી અને રાહુલે મને ફોન કર્યો હતો. અખિલેશ, તેજસ્વી, કેજરીવાલ અને હેમંતે મને ફોન કર્યો. INDIA બ્લોકની એકતા મજબૂત છે. અખિલેશ કાલે કોલકાતા આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ભાજપે જીત માટે દરેક પેંતરાનો ઉપયોગ કર્યો. આખી મશીનરી બદલી દેવામાં આવી. ઈન્ડિયા ગઠબંધન પૂરી રીતે મારી સાથે. અમે ચૂંટણીમાં આવી અરાજકતા જોઈ નથી.
તેમણે કહ્યું, ‘હું એક આઝાદ પક્ષી છું. મેં મારી આખી જિંદગી સેવામાં લગાવી દીધી છે.’ તેમણે આરોપ લગાવતા કહ્યું, ‘મારી સીટ માટે ગણતરીના ૫ રાઉન્ડ બાકી હતા. ભાજપના લોકો ગુંડાઓ સાથે અંદર ઘૂસી આવ્યા અને તેમણે TMCના એજન્ટોને ધમકાવ્યા અને માર્યા. ભાજપના લોકો પોલિંગ સ્ટેશનની અંદર ઘૂસી ગયા અને અમારા કાઉન્ટિંગ એજન્ટોને મારવાનું શરૂ કરી દીધું.’
તેમણે કહ્યું, ‘પહેલા રાઉન્ડ પછી ભાજપે કહેવાનું શરૂ કરી દીધું કે તેઓ મોટી જીત નોંધાવી રહ્યા છે. ભાજપ પોલિંગ સ્ટેશનની અંદર જવા લાગ્યા, તેઓ કાઉન્ટિંગ એજન્ટ અને લોકોને મારવા લાગ્યા. હું તે સમયે ભવાનીપુરમાં આગળ ચાલી રહી હતી. ભાજપે શોષણ કર્યું છે. જ્યારે મને આની જાણકારી મળી ત્યારે ભવાનીપુર કાઉન્ટિંગ સીટ પર હું ગઈ. CRPFએ મને કહ્યું કે હું અંદર જઈ શકતી નથી, પરંતુ મેં કહ્યું કે હું કેન્ડિડેટ છું. ૩ દિવસ સુધી કેન્દ્રીય દળોનો અત્યાચાર જોવા મળ્યો છે.’
તેમણે પોતાની પર હુમલો થવાનો આરોપ પણ લગાવ્યો. મમતાએ કહ્યું કે ‘કાઉન્ટિંગમાં રમતો થઈ શું તમે એવું કરી શકો છો. અમારી તરફથી કોઈ હતું જ નહીં, મારા એજન્ટને પરવાનગી નહોતી, મને પાછળથી મારવામાં આવી. તેમણે મને પ્રતાડિત કરી, મારી. તમે કલ્પના પણ નથી કરી શકતા કે મારી સાથે શું કરવામાં આવ્યું. જ્યારે કાઉન્ટિંગ શરૂ થયું ત્યારે હું એક કેન્ડિડેટ તરીકે ત્યાં બેઠી. ભાજપના લોકોએ મને ધક્કો મારીને બહાર કાઢી. આ મારું અપમાન છે. જ્યારે મારી સાથે આવું થયું ત્યારે હું સમજી શકું છું કે બાકી કેન્ડિડેટ સાથે શું થયું હશે..’
ભાજપ બંગાળમાં જુલમ ગુજારી રહી છે: મમતાનો આરોપ
તેમણે આગળ આરોપ લગાવતા કહ્યું, ‘ભાજપે ગુંડાઓ સાથે મળીને આખા બંગાળમાં જુલમ ગુજારવાનું શરૂ કરી દીધું છે. પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી. ભાજપ, TMCની મહિલા સમર્થકોને રેપની ધમકીઓ આપી રહી છે.’ મમતા બેનર્જીએ કહ્યું કે ‘હવે હું કોઈ પદ વગર નવી દિલ્હી સામે લડીશ. મારી પાર્ટી તે લોકોનો સાથ આપશે, જેમના પર ભાજપના કાર્યકરો જુલમ ગુજારી રહ્યા છે.’
મેં આવું ક્યારેય નથી જોયું: મમતા બેનર્જી
મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી ચોરી થવાનો આરોપ લગાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે આ જ રીતે તેમણે મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર અને હવે બંગાળમાં ચૂંટણી ચોરી છે. તેમણે કહ્યું, ‘ભારત સરકારે સીધો હસ્તક્ષેપ કર્યો. આખી સિસ્ટમ પર કબજો કરવા માટે લોકશાહીની હત્યા કરવામાં આવી. આ જ રીતે તેઓ મહારાષ્ટ્ર, બિહાર અને હરિયાણામાં જીત્યા, અમે સિંહની જેમ લડવાનું ચાલુ રાખીશું, ચાલુ રાખીશું.’
તેમણે કહ્યું, ‘CRPFના લોકો તો ગુંડા જેવું વર્તન કરી રહ્યા હતા. તેઓ કેન્ડિડેટ સુધીને કાઉન્ટિંગ સેન્ટરની અંદર જવા દેતા નહોતા. સેન્ટ્રલ ફોર્સ આવું વર્તન કરી શકે છે, મેં ક્યારેય વિચાર્યું નહોતું. મેં મનમોહન, દેવગૌડા, ગુજરાલ સરકારને પણ જોઈ છે પરંતુ મેં આવો અત્યાચાર ક્યારેય નથી જોયો. શું તમે દેશને લૂંટવા માંગો છો?’
મમતાએ કહ્યું કે ‘પાર્ટી એકજૂથ છે. તમામ પાર્ટી નેતાઓ એકસાથે કામ કરી રહ્યા છે. જોકે, તેમને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે, તેમના ઘર બાળવામાં આવી રહ્યા છે, કાર્યકરોને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે, મહિલાઓને બળાત્કારની ધમકી આપવામાં આવી રહી છે. તમે કલ્પના કરી શકો છો. ન્યાયતંત્ર નથી, ચૂંટણી પંચ પક્ષપાતી છે, ભારત સરકાર એક પાર્ટીનું શાસન જોવા માંગે છે તો લોકો કેવી રીતે ન્યાય કરશે. તમે બધું જોર જબરદસ્તીથી કબજે કરવા માંગો છો. અમે બાઉન્સ બેક કરીશું. અમે લડાઈ ચાલુ રાખીશું.’
મમતા ૧૫ વર્ષ પછી સત્તાની બહાર
મમતા બેનર્જી ૨૦૧૧માં સત્તામાં આવ્યા હતા. ત્યારથી સતત ત્રણ ચૂંટણીમાં તેમની પાર્ટી TMC જીતી રહી હતી. ૨૦૨૧માં TMCએ ૨૧૪ બેઠકો જીતી હતી. પરંતુ આ વખતે તેમની પાર્ટી ૮૦ બેઠકો પર સમેટાઈ ગઈ. આ વખતે બંગાળમાં એવી ભગવી લહેર ચાલી કે TMC માત્ર ૮૦ બેઠકો જ જીતી શકી. મમતા બેનર્જી પોતે ભવાનીપુરથી ૧૫ હજારથી વધુ મતોથી હારી ગયા. તેમને બીજી વાર ભાજપના સુવેન્દુ અધિકારીએ હરાવ્યા.
બંગાળમાં પ્રથમવાર ભાજપ સરકાર
પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રથમવાર સરકાર બનાવવા જઈ રહી છે. બંગાળમાં ભાજપે ૨૦૭ બેઠકો જીતી લીધી છે. બંગાળમાં ભાજપનું આ અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ વખતે ભાજપનો વોટ શેર ૪૫.૮૪ ટકા રહ્યો. જ્યારે, TMCનો વોટ શેર ઘટીને ૪૦.૮૦ ટકા પર આવી ગયો.

