Vajra Prahar 2026 Military Exercise: હિમાચલમાં કેમ એકઠા થશે ભારતીય સેના અને અમેરિકી સૈનિકો? શું છે બંને દેશોનો હેતુ

Arati Parmar
2 Min Read

Vajra Prahar 2026 Military Exercise: ભારતીય સેના અને અમેરિકી સેના વચ્ચેના પ્રમુખ સંયુક્ત સ્પેશિયલ ફોર્સ અભ્યાસ, ‘વજ્ર પ્રહાર ૨૦૨૬’ ની ૧૬મી આવૃત્તિ, હિમાચલ પ્રદેશના બકલોહ સ્થિત સ્પેશિયલ ફોર્સ ટ્રેનિંગ સ્કૂલમાં ૨૩ ફેબ્રુઆરી થી ૧૫ માર્ચ ૨૦૨૬ સુધી આયોજિત કરવામાં આવશે. આ અભ્યાસનો ઉદ્દેશ્ય સંરક્ષણ સહયોગને ગાઢ બનાવવો, આંતર-કાર્યક્ષમતા અને સંયુક્ત ઓપરેશનલ સજ્જતા વધારવી તથા અદ્યતન વિશેષ ઓપરેશન વ્યૂહરચના, તકનીકો અને પ્રક્રિયાઓના આદાનપ્રદાનને સક્ષમ બનાવવાનો છે.

વાસ્તવિક પરિસ્થિતિઓમાં કઠોર તાલીમ દ્વારા, બંને પક્ષો પરસ્પર વિશ્વાસ અને ઓપરેશનલ તાલમેલને મજબૂત કરશે. આ ઉપરાંત ઉચ્ચ કક્ષાની ભાગીદારી સ્થાપિત કરવી અને સહિયારા સંકલ્પને મજબૂત કરવાનો ઉદ્દેશ્ય છે.

- Advertisement -

સંયુક્ત ટીમ મિશનનું આયોજન, જાસૂસી મિશન સહિત અન્ય પ્રકારના અભ્યાસ કરવામાં આવશે

અભ્યાસ દરમિયાન જે પાસાઓનું પૂર્વાભ્યાસ કરવામાં આવશે તેમાં સંયુક્ત ટીમ મિશનનું પ્લાનિંગ, જાસૂસી મિશન, માનવરહિત હવાઈ પ્રણાલી (ડ્રોન) નો ઉપયોગ, વિશેષ ઓપરેશનોનું અમલીકરણ, સંયુક્ત ટર્મિનલ એટેક કંટ્રોલરની કાર્યવાહી અને વિશેષ ઓપરેશનોમાં મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામેલ હશે. આ ઉપરાંત આતંકવાદ વિરોધી અને ઉગ્રવાદ વિરોધી વાતાવરણમાં ઓપરેશન ચલાવીને શક્તિનું મૂલ્યાંકન કરવામાં આવશે.

‘વજ્ર પ્રહાર’ અભ્યાસથી બંને પક્ષો સંયુક્ત સ્પેશિયલ ફોર્સ ઓપરેશન્સના સંચાલન માટે પોતાની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને અનુભવો શેર કરી શકશે. આ અભ્યાસ બંને દેશોના સૈનિકો વચ્ચે પરસ્પર સહયોગ, સૌહાર્દ અને ભાઈચારાને પ્રોત્સાહન આપશે.

- Advertisement -

સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘વજ્ર પ્રહાર’ ની શરૂઆત ૨૦૧૦માં થઈ હતી

ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘વજ્ર પ્રહાર’ ની શરૂઆત ૨૦૧૦માં થઈ હતી. પરંતુ કોઈ ખાસ કારણોસર ૨૦૧૨ થી ૨૦૧૫ દરમિયાન વજ્ર પ્રહારનો અભ્યાસ યોજાયો ન હતો. ૨૦૨૦માં પણ આ અભ્યાસ થયો ન હતો. જણાવી દઈએ કે વજ્ર પ્રહાર XIII નું આયોજન ઓગસ્ટ ૨૦૨૨માં હિમાચલ પ્રદેશના બકલોહમાં જ થયું હતું, જ્યારે વજ્ર પ્રહાર XII નું આયોજન ઓક્ટોબર ૨૦૨૧માં વોશિંગ્ટન (અમેરિકા) માં કરવામાં આવ્યું હતું.

Share This Article