નવી દિલ્હી, તા. 30 : ભારતીય ટીમની ટી-20 વિશ્વકપમાં જીત બાદ રવીન્દ્ર જાડેજાએ પણ ટી-20 ઇન્ટરનેશનલમાંથી સંન્યાસનું એલાન કરી દીધું છે. રવીન્દ્ર જાડેજાએ પોતે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ટી-20 ફોર્મેટમાંથી સંન્યાસની જાણકારી આપી હતી. જાડેજાએ કહ્યું હતું કે, હું હૃદયપૂર્વક સૌનો આભાર માનું છું.

મેં હંમેશાં દેશ માટે મારું શ્રેષ્ઠ આપ્યું છે. અન્ય ફોર્મેટમાં પણ તે જારી રાખીશ. વિશ્વકપ વિજય એક સ્વપ્ન સાચું પડવા જેવો રહ્યો. જાડેજાએ ટી-20માં 10 ફેબ્રુઆરી, 2009માં પદાર્પણ કર્યું હતું. તે પહેલો મુકાબલો શ્રીલંકા સામે કોલંબોમાં રમ્યો હતો. ડેબ્યુ ટી-20માં જાડેજાએ 4 ઓવરમાં 29 રન આપીને કોઈ વિકેટ લીધી નહોતી અને બેટથી 7 બોલમાં પાંચ રન કર્યા હતા. જાડેજાએ અંતિમ ટી-20માં માત્ર બે રન કર્યા હતા અને બોલિંગમાં કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. એટલે કે પદાર્પણ અને અંતિમ મેચ બન્ને લગભગ એક જેવી રહી હતી.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જાડેજાએ લોકોનો આભાર માન્યો હતો. તેણે લખ્યું હતું કે, કૃતજ્ઞતા સાથે ટી-20 ક્રિકેટમાંથી સંન્યાસનું એલાન કરે છે. તેણે દેશ માટે હંમેશાં સર્વશ્રેષ્ઠ આપ્યું છે. અન્ય ફોર્મેટમાં યોગદાન સતત આપતો રહેશે. ટી-20 વિશ્વકપ જીતવો સપના જેવું છે. આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ઊંચાઈ છે. આ સાથે જ દિગ્ગજ ઓલરાઉન્ડરે સર્મથકો અને પ્રશંસકોનો આભાર માન્યો હતો.

