નવી દિલ્હી, તા. 9 : આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે 20 બેઠકો ઉપર ઉમેદવારોની પહેલી યાદી જારી કરી દઈને કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકયુ છે. હરિયાણામાંના પક્ષના પ્રમુખ સુશિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે પક્ષે 90 બેઠકો ઉપર સ્વબળે લડવાનો નિર્ણય લઇ લીધો છે. આપે જે 20 બેઠકોની યાદી જાહેર કરી છે એમાં 11 બેઠકો ઉપર પહેલાથી જ કોંગ્રેસે પોતાના ઉમેદવારની યાદી જાહેર કરી હતી. આ ઉપરાંત હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ બેઠકો ઉપર ભાજપ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. આ અગાઉ હરિયાણા રાજ્યમાંના આપ પક્ષ પ્રમુખ સુશીલ ગુપ્તાએ જણાવ્યું હતું કે 90 બેઠકો માટેની ઉમેદવારોની યાદી તૈયાર છે.
જો સાંજ સુધીમાં કોંગ્રેસ તરફથી કોઇ જવાબ આવતો નથી આપ પક્ષ સ્વબળે તમામ બેઠકો ઉપર ચૂંટણી લડશે. હરિયાણાની ચૂંટણીમાં નામાંકન ભરવાની છેલ્લી તારીખ 12મી સપ્ટેમ્બર છે અને મતદાન પાંચમી ઓકટોબરે યોજાનાર છે. સૂત્રો અનુસાર આપ પક્ષને હરિયાણા રાજ્યની દસ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખવા છે પરંતુ કોંગ્રેસ આમ આદમી પક્ષને માત્ર ચારથી પાંચ બેઠકો આપવા ઇચ્છુક છે. કુરુક્ષેત્રની બેઠક જ્યાંથી લોકસભાની ચૂંટણીમાં ભાજપના નવીન જિંદાલને જીત મળી હતી એ મેળવવામાં આમ આદમી પક્ષ નિષ્ફળ ગયો છે. સૂત્રો અનુસા પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડાની બેઠક કોઇ પ્રામાણિક ઉમેદવારને મળે એવી આમ આદમી પક્ષની ઇચ્છા છે. આમ આદમી પક્ષ હાલ રોડ બ્લોક જેવી સ્થિતીમાં છે કારણ કે ગત સપ્તાહે થયેલી કોંગ્રેસ પક્ષ સાથેની ચર્ચા બાદ કોઇ નિર્ણય હાલ લેવાયો નથી અને તે થોભો અને ઇંતેજાર કરી રહ્યુ છે. જો બંને પક્ષ સાથે મળીને ચૂંટણી લડશે તો ભાજપના હાથમાંની લગભગ દસ બેઠકો ઉપર જીત મેળવી શકે એમ છે.

બે દિવસ અગાઉ કોંગ્રેસે બેઠક વ્હેંચણી બાબતે સ્પષ્ટતા કરી દીધી છે. કોંગ્રેસના હરિયાણાના ઇનચાર્જ દીપક બાબરિયાએ જણાવ્યું હતું કે અમે આમ આદમી પક્ષને ખૂબ જ ઓછી બેઠકો ફાળવી શકીએ એમ છે. આમ આદમી પક્ષના રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે આ ગઠબંધન થાય એવી તમામની ઇચ્છા છે પણ જો પક્ષને યોગ્ય બેઠકોની વ્હેંચણી નહીં થાય તો અમે સ્વબળે લડવા તૈયાર છીએ. જો કે મોડી સાંજે આ બાબતે કોઇ નિર્ણય લેવાની શકયતા વધારે છે. ભાજપને હરાવવા વિપક્ષોએ ફરીએકવાર સાથે આવશે એમ સૂત્રોએ જણાવ્યું છે. રાહુલ ગાંધીના નિર્ણય ઉપર આ ગઠબંધનની મદાર ટકેલી છે. લોકસબાની ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ ઉપર અને આમ આદમી પક્ષના નબળા દેખાવને કારણે આ સમીકરણ જોડાય એવા હાલ કોઇ આસાર જણાતા નથી. બેઠક વ્હેંચણી બાબતે કેટલાક રાજકીય નેતાઓએ આમ આદમી પક્ષવતી તરફેણ કરી હોવા છતાં અરવિંદ કેજરીવાલના હરિયાણાની આગામી ચૂંટણીમાં એકલા ચાલો રે જેવી જ સ્થિતિ છે.

