Adani Ports Land Dispute: સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટનો તે આદેશ રદ કર્યો છે, જેમાં રાજ્યને કચ્છમાં ૧૦૮-૨૨-૩૫ હેક્ટર જમીન પરત લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ જમીન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) ના વિકાસ માટે અદાણી પોર્ટ્સને ફાળવવામાં આવી હતી. જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને જસ્ટિસ અતુલ ચાંદુરકરની બેંચે આ મામલાને નવા ઉત્સાહ સાથે ફરી વિચારણા કરવા માટે ગુજરાત હાઈકોર્ટને પરત મોકલી દીધો છે.
આ સમગ્ર વિવાદ ૨૦૧૧માં દાખલ કરવામાં આવેલી એક જનહિત અરજી (PIL) થી શરૂ થયો હતો. જેમાં કચ્છના ગોયારસમા, નવીનાલ અને લુણી ગામોમાં ગૌચર માટે ગ્રામ પંચાયતોને અગાઉ ફાળવવામાં આવેલી જમીન અદાણી પોર્ટ્સને સોંપવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. ગ્રામજનોની ફરિયાદ હતી કે પંચાયતો પાસે ગૌચરની જમીન પહેલેથી જ મર્યાદિત છે અને તેમાં વધુ ઘટાડો થવાથી સ્થાનિક રહીશો અને પશુપાલકો પર માઠી અસર પડશે.
૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ હાઈકોર્ટે નોંધ્યું હતું કે અરજીઓ પેન્ડિંગ હતી તે દરમિયાન સરકારે સ્થિતિ સુધારવા પગલાં લીધા હતા. નવીનાલ ગામના કિસ્સામાં ડેપ્યુટી કલેક્ટર, કચ્છ દ્વારા ગૌચર માટે ૩૮૭ હેક્ટર અને ૮૦ આર વધારાની સરકારી જમીન આપી હતી. લુણી ગામ માટે પણ આવા જ પગલાં લેવાયા હતા. હાઈકોર્ટે PIL નો નિકાલ કરતી વખતે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ (DILR) ને જમીન માપણી કરી નક્કી સમય મર્યાદામાં કબજો સોંપવા નિર્દેશ આપ્યો હતો.
જોકે, રાજ્યની વિનંતી પર હાઈકોર્ટે બાદમાં આ આદેશ પાછો ખેંચ્યો હતો. ૧૯ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ હાઈકોર્ટે અવલોકન કર્યું કે રાજ્ય નવીનાલ ગામની ગૌચરની જમીનની અછત કેવી રીતે પૂરી કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. કલેક્ટરના ૨૦૦૫ના આદેશ મુજબ, ૨૭૬.૦૫ એકર ગૌચર જમીન SEZ માટે ફાળવાઈ હતી. રાજ્યના સોગંદનામા મુજબ, પશુઓની વસ્તી જોતા ૩૨૦ એકર (૧૨૯-૫૦-૦૮ હેક્ટર) જમીન જરૂરી હતી, જેની સામે ઉપલબ્ધ જમીન માત્ર ૧૭-૪૨-૧૪ હેક્ટર જ હતી. અદાણી પોર્ટ્સે ૩૮-૪૮-૮૫ હેક્ટર જમીન પરત કરવાનો ભરોસો આપ્યો હતો, પણ તે પણ જરૂરિયાત પૂરી કરવા પૂરતી નહોતી.
ત્યારબાદ ૦૪ જુલાઈ, ૨૦૨૪ ના રોજ રાજ્યએ અદાણી પોર્ટ્સ પાસેથી નવીનાલમાં ૧૦૮ હેક્ટર જમીન પાછી લેવાની મંજૂરી આપતો પ્રસ્તાવ રજૂ કર્યો. હાઈકોર્ટે વિવાદિત આદેશમાં અધિકારીઓને આ પ્રક્રિયા કાયદા મુજબ પૂરી કરવા નિર્દેશ આપ્યો હતો. અદાણી પોર્ટ્સે આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે હવે ૦૫ જુલાઈ, ૨૦૨૪ નો તે આદેશ રદ કર્યો છે, જેમાં જમીન પરત લેવાની પ્રક્રિયા પૂરી કરવાનો નિર્દેશ અપાયો હતો.

