નવી દિલ્હી, તા. 3 : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે કિસાનો અને રેલવે કર્મચારીઓને દિવાળીની ભેટ સમાન મોટી યોજનાઓની જાહેરાત કરાઇ છે. ખેડૂતોની આવક વધારવા માટે રૂા. 1.01 લાખ કરોડની બે યોજના મંજૂર કરવામાં આવી છે. આવી જ રીતે રેલવે કર્મચારીઓને 78 દિવસના વેતન જેટલું બોનસ આપવા માટે સહમતી વ્યક્ત કરવામાં આવી છે.

બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની વિસ્તૃત જાણકારી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, પીએમ કૃષિ વિકાસ યોજના ઉપરાંત કિસાનો સંબંધિત કૃષોન્તિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ચેન્નાઈ મેટ્રોનાં બીજા તબક્કાને પણ મંજૂર કરવામાં આવ્યો છે, જે માટે રૂા. 63246 કરોડ ખર્ચાશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આજે કેબિનેટમાં જે નિર્ણય કરવામાં આવ્યા છે તે કિસાનોની આવક વધારવા અને મધ્યમવર્ગનાં લોકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા સાથે જોડાયેલા છે. તેનાં બે સ્તંભ છે. પીએમ રાષ્ટ્રીય કૃષિત વિકાસ યોજના અને કૃષોન્તિ યોજના. આ બન્ને યોજનાઓ માટે 101321 કરોડ રૂપિયાનું બજેટ નિર્ધારિત કરાયું છે.
બન્ને યોજના અંતર્ગત 9-9 યોજનાઓ સામેલ કરવામાં આવી છે, જેમાંથી અનેક બાબતોને સીધી કિસાનોની આવક અને મધ્યમવર્ગની થાળી સાથે નિસ્બત છે. આ સાથે જ રેલવે કર્મચારીઓને બોનસની દિવાળી ભેટ આપવામાં આવી છે. રેલવેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને ધ્યાને રાખીને કેબિનેટે 1172240 કર્મચારીને 2028.પ7 કરોડ રૂપિયાનાં 78 દિવસનાં બોનસની ચૂકવણીને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટે પોર્ટ અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓ માટે પ્રોડક્ટિવિટી લિન્કડ રિવોર્ડ સાથે સંકળાયેલી યોજનામાં સુધાર કર્યો છે, જે અંતર્ગત રૂા. 7000નું બોનસ અપાશે. સારો દેખાવ કરનારાઓને બોનસની રકમ 50 ટકાથી વધારીને 55 ટકા કરાશે.

