આણંદઃ બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં 3 મુસાફરોના મોત, 15થી વધુ ઘાયલ

Reena Brahmbhatt
2 Min Read

આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધરમજ હાઈવે પર ગુરુવારે સવારે ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આણંદ, 28 નવેમ્બર. આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધરમજ હાઈવે પર ગુરુવારે સવારે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અથડામણમાં ત્રણ મુસાફરોના મોત થયા હતા અને 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોની ઓળખ ભરૂચના રહેવાસી ધ્રુવ રૂડાણી (32), રાજકોટના મનસુખ કોરાટ (67) અને રાજકોટના રહેવાસી કલ્પેશ જિયાણી (39) તરીકે થઈ છે.

- Advertisement -

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધરમજ હાઈવે પર આવેલા વડદલા પાટિયા પાસેથી રાજકોટથી સુરત તરફ જતી લકઝરી બસ પસાર થઈ રહી હતી. આ દરમિયાન લકઝરી બસના ચાલકે આગળ જઈ રહેલી ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ ટ્રકની પાછળના ભાગે અથડાઈ હતી.

અકસ્માતમાં બસમાં સવાર ત્રણ મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 15થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માતને કારણે બસનો એક સાઈડ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. બનાવ બાદ પેટલાદ ગ્રામ્ય પોલીસ એમ્બ્યુલન્સ અને હાઈવે પર પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

- Advertisement -

પેટલાદ પોલીસે બોરસદના રહેવાસી ટ્રક ચાલક ઘનશ્યામ ઝાલાની ફરિયાદના આધારે બસ ચાલક સોહિલ મલેક રહેવાસી અમરેલી સામે એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article