શ્રીનગર, તા. 8 : જમ્મુ કાશ્મીર વિધાનસભામાં શુક્રવારે ત્રીજા દિવસે પણ ભારે હંગામો થયો હતો. ઘણા ધારાસભ્ય ધક્કામુક્કી અને મારપીટ કરવા ઉપર ઉતરી આવ્યા હતા. ભાજપ સભ્યોએ વિશેષ દરજ્જાના પ્રસ્તાવનો ભારે વિરોધ કર્યો હતો. જેના કારણે અધ્યક્ષે 12 વિપક્ષી વિધાયકો અને લંગેટથી ધારાસભ્ય શેખ ખુર્શિદને બહાર કર્યા હતા. ભાજપના એક ધારાસભ્યને માર્શલ ઉપાડીને બહાર લઈ જતા જોવા મળ્યા હતા. જેના કારણે વિવાદ વકર્યો હતો. અંતે સ્પીકર અબ્દુલ રહીમ રાથરે આખા દિવસ માટે કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
ગૃહની કાર્યવાહી શરૂ થતા પહેલા જ ભાજપ ધારાસભ્યોએ પાકિસ્તાની એજન્ડા નહી ચાલેના સૂત્રો પોકાર્યા હતા. ભાજપ વિધાયકો આસન પાસે પહોંચી ગયા હતા. બાદમાં અધ્યક્ષ અબ્દુલ રહીમ રાઠેરે તમામને બહાર કરી દેવાનો નિર્દેશ આપ્યો હતો. સૂત્રોચ્ચાર કરતા વિધાયકોને બહાર કરવામાં આવતા જ અન્ય 11 ભાજપ વિધાયકો પણ વિરોધ સ્વરૂપે વોકઆઉટ કરી ગયા હતા. સદનમાં છેલ્લા બે દિવસથી હંગામો થઈ રહ્યો છે કારણ કે ભાજપ વિધાયક પ્રસ્તાવ પસાર થવાનો વિરોધ કરી રહ્યા છે. ઉપમુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીએ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે તે વિશેષ દરજ્જા અને બંધારણીય ગેરન્ટીઓના મહત્વને દર્શાવે છે. આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવતા જ ભાજપ દ્વારા સદનમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

