રિયો ડી જેનેરિયો, તા.20 : બ્રાઝિલની રાજધાનીમાં બે દિવસ ચાલેલાં જી-20 શિખર સંમેલનનું સમાપન થઈ ગયું છે. આ સંમેલન દરમ્યાન ભારત અને ચીનના વિદેશમંત્રીઓ વચ્ચે ચર્ચા થઈ હતી, જેમાં બન્ને દેશ વચ્ચે સીધી ઉડાન શરૂ કરવા પર મંથન કરાયું હતું. બન્ને દેશ વચ્ચે સીમા વિવાદ પર પાંચ વર્ષ બાદ વિશેષ પ્રતિનિધિઓની બેઠક યોજવાની સહમતી બની હતી. સાથોસાથ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને ચીનના વિદેશમંત્રી વાંગ યીની બન્ને દેશો વચ્ચે સીધી ઉડાન અને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા પર ચર્ચા થઈ હતી. કોવિડ મહામારી બાદ ઉડાન અને માનસરોવર યાત્રા પર રોક મૂકી દેવાઈ હતી.
આ મુદ્દાઓની ચર્ચા બન્ને દેશના સંબંધોમાં તાણ હળવી થવાનો સંકેત આપે છે. ખાસ ધ્યાન જાય તેવી હકીકત એ બની હતી કે, શિખર મંત્રણાના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો તસવીરોમાં સાથે જોવા મળ્યા હતા, પરંતુ મોદી ટ્રુડોની અવગણના કરતા જોવા મળ્યા હતા. જી-20 શિખર સંમેલનનાં સમાપને તમામ દેશો દ્વારા જારી કરાયેલાં સહિયારાં ઘોષણાપત્રમાં ભૂખમરા સામે લડવા માટે વૈશ્વિક સમજૂતી, ગાઝાને વધુ મદદ તેમજ મધ્ય – પૂર્વ અને યુક્રેનમાં યુદ્ધ રોકવાની અપીલ કરાઈ હતી. હવે 2025માં નિર્ધારિત જી-20 શિખર સંમેલન યોજવા માટેનું યજમાનપદ દક્ષિણ આફ્રિકાને મળ્યું હતું.
શિખર સંમેલનનાં ત્રીજા સત્રમાં મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલાડી સિલ્વા, ચિલીના રાષ્ટ્રપતિ ગૈબ્રિયલ બોરિક, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર મિલેઈ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એંથની આલ્બનીઝ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલાડી સિલ્વાએ મોદી સાથે બેઠક બાદ જણાવ્યું હતું કે, જી-20 શિખર સંમેલનમાં બ્રાઝિલે લીધેલાં પગલાં વિતેલાં વર્ષે જી-20માં ભારતે લીધેલા ફેંસલાઓથી પ્રેરિત છે.

