Aravalli Mining Impact India: વિકાસ કે વિનાશ? અરવલ્લીમાં ખનનને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, કુદરતી રક્ષણકવચ સામે તોળાતું મોટું સંકટ

Arati Parmar
2 Min Read

Aravalli Mining Impact India: અરાવલી પર્વતમાળામાં ખનનને મળેલી સુપ્રીમ કોર્ટની મંજૂરી માત્ર કાનૂની નિર્ણય નથી, પરંતુ દેશના પર્યાવરણ અને આવનારી પેઢી માટે ગંભીર ચેતવણી છે. આ નિર્ણય એ વાત દર્શાવે છે કે વિકાસના નામે કુદરતને કેટલું સરળતાથી બલિ ચઢાવી શકાય છે.

અરાવલી પર્વતમાળા ઉત્તર અને પશ્ચિમ ભારત માટે કુદરતી રક્ષણકવચ સમાન છે. તે રણના વિસ્તરણને અટકાવે છે, વરસાદી ચક્રને સંતુલિત રાખે છે અને ભૂગર્ભ જળના સ્ત્રોતોને જીવંત રાખે છે. છતાં 100 મીટરથી ઓછી ઊંચાઈના ડુંગરોને પર્યાવરણની દૃષ્ટિએ ગૌણ ગણાવવાનો તારણ ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. કયા વૈજ્ઞાનિક અભ્યાસે સાબિત કર્યું કે આવા ડુંગરો પર્યાવરણ માટે અપ્રમુખ છે?

- Advertisement -

ઝીંક, સિલ્વર, કોપર અને લીડ જેવા ખનીજોને વ્યૂહાત્મક કહીને ખોદકામને મંજૂરી આપવામાં આવી રહી છે. પરંતુ શું વિકાસનો એકમાત્ર માર્ગ ખનીજ ખોદવામાં જ છુપાયેલો છે? શું વિકાસનો અર્થ જંગલોનો નાશ, આદિવાસીઓનું સ્થળાંતર અને જમીનને બંજર બનાવવો જ છે?

કુદરત સાથે ચેડાં કરવાના પરિણામો ઇતિહાસમાં અનેક વાર દેખાઈ ચૂક્યા છે. ભૂકંપો, સુનામી અને હવામાનની અતિશય ઘટનાઓ એ સાબિત કરે છે કે કુદરતની અવગણના માનવજાતને ભારે પડે છે. ફરક એટલો છે કે આજે આ બધું જાણી છતાં નિર્ણય લેવાઈ રહ્યા છે.

- Advertisement -

રાજસ્થાનમાં લોકો વિરોધ કરી રહ્યા છે, અવાજ ઉઠાવી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં એક અજાણી શાંતિ છે. આ શાંતિ ખતરનાક છે, કારણ કે જો આજે અરાવલી પર મૌન રહેશે, તો કાલે અન્ય પવિત્ર અને કુદરતી પર્વતો પણ વિકાસના નામે બલિ ચઢી શકે છે.

નવેમ્બર 2025માં નવા ખનન પર નિયંત્રણની વાત થઈ, ઇકો-સેન્સિટિવ ઝોનની ચર્ચા પણ થઈ. પરંતુ વાસ્તવિકતા એ છે કે જમીન પર અમલ નબળો છે. સ્ટાફની અછત, રાજકીય દબાણ અને ભ્રષ્ટાચાર વચ્ચે કાયદો બેહાલ બની જાય છે.

- Advertisement -

અરાવલીનો એક નાનો ભાગ ખોદાયો છે, પરંતુ એ શરૂઆત છે. ડુંગર ઘટશે તો વરસાદ ઘટશે, ખેતી અસરગ્રસ્ત થશે અને વનવાસીઓનું જીવન જોખમમાં પડશે. આ માત્ર પર્યાવરણનો મુદ્દો નથી, પરંતુ માનવ અસ્તિત્વનો પ્રશ્ન છે.

જો વિકાસ માનવતા અને કુદરતના ભોગે થાય, તો એ વિકાસ નથી. એ વિનાશ છે. હવે દેશે નક્કી કરવું પડશે—મૌન રહી ભવિષ્ય ગુમાવવું કે અવાજ ઉઠાવી કુદરત બચાવવી.

Share This Article