નવી દિલ્હી, તા. 19 : કોલકાતાની આરજી કર તબીબ કોલેજમાં મહિલા તબીબ ઉપર થયેલા રેપ અને હત્યા કેસનો કોલકાતા સહિત દેશભરમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. ભાજપે આજે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીને વિનાશકર્તા (ડેસ્ટ્રોયર) ગણાવીને તેમના રાજીનામાની માગણી કરી હતી તેમજ તેમનું નામ બદલીને નિરમમતા બેનરજી રાખવું જોઈએ. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે પણ આ કેસની ગંભીર નોંધ લઇને આવતીકાલે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં કેસને પ્રાથમિકતા આપીને સુનાવણી કરવાની વાત જણાવી છે.

આ અંગે ભાજપના પ્રવકતા ગૌરવ ભાટિયાએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન પદેથી મમતા બેનરજીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઇએ. સમાજમાં સેવા આપતી મહિલા તબીબને ન્યાય અપાવવામાં તેઓ નિષ્ફળ ગયા છે. એક મુખ્ય પ્રધાન થઇને તબીબ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલની આ ગુનામાં સંડોવણી હોવા છતાં બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ તેમણે કર્યું નથી, જેમાં તેઓ નિષ્ફળ ગયાં છે. આના જવાબમાં બેનરજીએ જણાવ્યું હતું કે, બંને વિપક્ષો મને ઘેરવાની તૈયારીમાં છે. ભાજપે જ પુરાવાનો નાસ કરવાના પ્રયાસ કર્યા છે. બંગાળ શાંત કેમ રહે એ ભાજપથી જોવાતું નથી અને મારા ઉપર ખોટા આરોપ કરીને મારી વિરુદ્ધ કાવતરાં ઘડી રહ્યો છે.

