નવી દિલ્હી, તા. 8 : તમામ એક્ઝિટ પોલનાં પરિણામોને ખોટા પૂરવાર કરતાં હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે અને સતત ત્રીજીવાર સ્પષ્ટ બહુમત સાથે સત્તા હાંસલ કરનાર પહેલો પક્ષ બની ગયો છે. જીતનું સ્વપ્ન જોતી કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. ભાજપને 48, કોંગ્રેસને 37, આઈએનએલડીને બે તથા અન્યોને ત્રણ બેઠક મળી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર હરિયાણામાં નવા મુખ્યમંત્રીની શપથવિધિ 12 ઓક્ટોબરે વિજયાદશમીએ યોજાઈ શકે છે. તો એક દાયકા બાદ યોજાયેલી જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ (એનસી)-કોંગ્રેસનાં ગઠબંધનને બહુમતનો જનાદેશ આવ્યો છે. કલમ 370 હટાવાઈ અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્રીય પ્રદેશ જાહેર કરવામાં આવ્યા બાદ યોજાયેલી આ પહેલી ચૂંટણીમાં ભાજપે પણ સન્માનજનક પ્રદર્શન સાથે 29 બેઠક ઉપર જીત મેળવી છે. જો કે, આમાંથી મોટાભાગની બેઠકો જમ્મુ ક્ષેત્રની છે.
એટલે કે, કાશ્મીરમાં હજી પણ ભાજપ પાસે મજબૂત દેખાવ કરવાનો પડકાર છે. જમ્મુ-કાશ્મીરનાં ચૂંટણી પરિણામો બાદ નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ ઘોષણા પણ કરી દીધી હતી કે, પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા જ પ્રદેશનું સિંહાસન સંભાળશે. ચૂંટણી પરિણામોના છેલ્લા આંકડા અનુસાર 90-90 બેઠકની બન્ને વિધાનસભામાંથી હરિયાણામાં ભાજપને 48 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી હાંસલ થઈ રહી છે. જ્યારે એક્ઝિટ પોલ અને સવારના વલણોમાં આગળ રહેલી કોંગ્રેસની આશા અને ઉત્સાહ ઉપર પાણી ફેરવી નાખતાં પરિણામમાં તેને 37 બેઠક મળી રહી છે, તો અન્યનાં ભાગે ફક્ત પાંચ બેઠક આવી છે. હરિયાણામાં આમઆદમી પાર્ટીને 1.79 ટકા જેટલા મત મળ્યા હોવા છતાં રાજ્યમાં તેના તમામ ઉમેદવારોના સૂપડાસાફ થઈ ગયા છે.
ભાજપે જીતને ઐતિહાસિક ગણાવી હતી, તો કોંગ્રેસે કહ્યું હતું કે, પરિણામો સ્વીકાર્ય નથી. ચૂંટણીપંચને એક-બે દિવસમાં રજૂઆત કરશું. જમ્મુ-કાશ્મીરમાં એનસી અને કોંગ્રેસનાં ગઠબંધનને કુલ 48 બેઠક મળી છે, જેમાંથી કોંગ્રેસને 6 અને એનસીને 42 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળી છે. ભાજપને અહીં 29 બેઠક મળી છે, જ્યારે આ ચૂંટણીમાં કિંગમેકરની ભૂમિકા નિભાવવા માટે આશાવાદી મહેબૂબા મુફ્તીનો પીડીપી માત્ર 3 બેઠક ઉપર સમેટાઈ ગયો છે. અહીં અન્યના હિસ્સામાં કુલ 10 બેઠક આવી છે. અલગતાવાદીઓના સુપડાસાફ થઈ ગયા હતા. જમ્મુ-કાશ્મીરમાં આપને 0.પ2 ટકા જ મળ્યા છે, પણ અહીં તેના એક ઉમેદવારે જીત હાંસલ કરીને પક્ષને આ પ્રદેશમાં પ્રવેશ અપાવી દીધો છે. જમ્મુ-કાશ્મીરના 1.48 ટકા, તો હરિયાણામાં 0.38 ટકા મતદારોએ નોટાનો વિકલ્પ અપનાવીને કોઈપણ ઉમેદવારને મત આપવાનું મુનાસિબ માન્યું નથી.

