BJP Leader Arrested Opium Farming Chhattisgarh: છત્તીસગઢમાં અફીણની ખેતીના આરોપમાં ભાજપ નેતાની ધરપકડ, પાર્ટીએ કર્યા સસ્પેન્ડ

Arati Parmar
2 Min Read

BJP Leader Arrested Opium Farming Chhattisgarh: છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં કથિત રીતે અફીણની ખેતી કરવાના મામલે ભાજપના એક નેતાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શનિવારે ભાજપ નેતા વિનાયક તામ્રકારને તેમના બે સાથીઓ સાથે કસ્ટડીમાં લીધા હતા. આ મામલો સામે આવ્યા બાદ ભાજપે તામ્રકારને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

અહેવાલ મુજબ, આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલે સંબંધિત ખેતરની મુલાકાત લીધી અને ત્યાંના ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા.

- Advertisement -

પોલીસના જણાવ્યા અનુસાર, ૫૮ વર્ષીય વિનાયક તામ્રકાર ભાજપ કિસાન મોરચામાં રાઇસ મિલ પ્રોસેસિંગ કાર્ય માટે રાજ્ય સંયોજક તરીકે જોડાયેલા હતા. આરોપ છે કે દુર્ગ જિલ્લાના સમોદા, ઝેંઝરી અને સિરસા ગામો વચ્ચે આવેલા ખેતરોમાં અફીણની ખેતી કરવામાં આવી રહી હતી.

દુર્ગના પોલીસ અધિક્ષક વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે, સ્થળ નિરીક્ષણ દરમિયાન મકાઈના પાકની વચ્ચે છુપાવીને અફીણના છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પ્રારંભિક તપાસમાં ઘણા લોકોની સંડોવણી સામે આવી છે. પૂછપરછમાં એવું પણ બહાર આવ્યું છે કે ખેતી માટે મજૂરોને વિસ્તારની બહારથી લાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલા અફીણની કિંમત આશરે ૮ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

- Advertisement -

આ કાર્યવાહી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, ફોરેન્સિક સાયન્સ લેબ, આબકારી વિભાગ અને મહેસૂલ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી હતી.

તામ્રકાર ઉપરાંત રાજસ્થાનના જોધપુર જિલ્લાના માતોડા ગામના રહેવાસી ૨૭ વર્ષીય વિકાસ બિશ્નોઈ અને ૪૫ વર્ષીય મનીષ ઠાકુરની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ત્રણેયને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે અને આગળની પૂછપરછ માટે તેમની પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

- Advertisement -

આ મામલે પ્રતિક્રિયા આપતા ભૂપેશ બઘેલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તામ્રકાર પ્રભાવશાળી વ્યક્તિ માનવામાં આવે છે અને તેમના વરિષ્ઠ અધિકારીઓ તથા મંત્રીઓ સાથે ગાઢ સંબંધો હોવાનું કહેવાય છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આટલા મોટા પાયે થઈ રહેલી આ ખેતીની જાણ પ્રશાસનને પહેલા કેમ ન થઈ.

ભાજપે તામ્રકારને સસ્પેન્ડ કરી દીધા છે, જોકે પાર્ટી તરફથી આ બાબતે હજુ સુધી કોઈ વિસ્તૃત સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

Share This Article