અમદાવાદ, તા. 19 : અમદાવાદનાં વાતાવરણમાં બપોર બાદ એકાએક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજ્યમાં હજુ બે દિવસ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી હવામાન ખાતાં દ્વારા કરવામાં આવી હતી. દ. ગુજરાતના અમુક વિસ્તારો માટે યલો એલર્ટ જારી કરવામાં આવી હતી. 22થી 25 ઓક્ટોબર દરમ્યાન બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા છે, જેની સીધી અસર ગુજરાતને થાય તેમ હવામાનના નિષ્ણાતોએ જણાવ્યું હતું.
અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. એકાએક ગાજવીજ અને વાદળોના ગડગડાટ વચ્ચે વરસાદનું આગમન થયું હતું. શહેરના રિવરફ્રન્ટ, શાહીબાગ, ગોતા, ચાંદલોડિયા, જોધપુર, શિવરંજની, પ્રહલાદનગર, એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતાં. લોકલ કન્વેક્શન એક્ટિવિટીનાં કારણે આગામી બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન નિષ્ણાતના મતે રાજ્યમાં હજુ 21 ઓક્ટોબર સુધી અનેક વિસ્તારમાં વરસાદનું જોર જોવા મળશે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સર્જાઈ છે તેની અસરના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ પણ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.
વરસાદ સાથે આગામી 24 ઓક્ટોબરથી ગુજરાત પર વાવાઝોડાંનું પણ સંકટ જોવા મળી રહ્યું છે. હવામાનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 22થી 25 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાઈ શકે છે. વાવાઝોડાંની ગતિ 100 થી 120 કિમી સુધી રહે તેવું અનુમાન છે. જો આ ચક્રવાત સર્જાશે તો થાઈલેન્ડ થઈને સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં આવશે, જેની સીધી અસર ગુજરાતમાં વર્તાશે.

