અમરાવતી, તા. 12 : તેલુગુ દેશમ્ પાર્ટીના સુપ્રીમો ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશના 24માં મુખ્યમંત્રી બન્યા છે. તેમણે બુધવારે ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યમાં સૌથી વધુ વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ નાયડુના નામે છે. નાયડુ બાદ જનસેનાના વડા અને અભિનેતા પવન કલ્યાણે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. શપથ લીધા બાદ તેઓ નાયડુને પગે લાગ્યા હતા, ત્રીજા નંબરે નાયડુના પુત્ર નારા લોકેશે મંત્રી પદના શપથ લીધા હતા. વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં રાજ્યપાલ અબ્દુલ નઝીરે મુખ્યમંત્રી અને મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. તેલુગુ દેશમ્ પાર્ટીના વડા ચંદ્રાબાબુ નાયડુના શપથગ્રહણ સમારોહમાં તેમના ભાઈ અને દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી અને રજનીકાંત પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

નાયડુ મંગળવારે આંધ્રપ્રદેશમાં એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા. પવન કલ્યાણ વિધાનસભામાં ફ્લોર લીડર તરીકે ચૂંટાયા હતા. આ પછી નાયડુ અને કલ્યાણ રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીરને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ અને આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડા નાયડુના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપશે. મુખ્ય સચિવ નીરભ કુમાર પ્રસાદે મંગળવારે (11 જૂન) કહ્યું કે, પીએમ મોદી સવારે 10.40 વાગ્યે વિજયવાડા એરપોર્ટ પહોંચશે. સમારોહ પછી મોદી બપોરે 12.45 વાગ્યે ઓડિસાના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ માટે ભુવનેશ્વર જશે. નાયડુની કેબિનેટમાં તેમના પુત્ર અને ટીડીપીના મહાસચિવ નારા લોકેશ, પ્રદેશ અધ્યક્ષ કે. અત્ચન્નાયડુ અને જનસેના પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના અધ્યક્ષ નાંદેડલા મનોહર સામેલ છે. ટીડીપીના મંત્રીઓમાં 17 નવા ચહેરા છે. બાકીના ત્રણ અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છે.

