CChhattisgarh HC CGPSC scam case: GPSC પેપર લીક કેસમાં પૂર્વ સચિવને રાહત નહીં, હાઈકોર્ટે જામીન નામંજૂર કર્યા
Chhattisgarh HC CGPSC scam case: છત્તીસગઢ હાઈકોર્ટે કહ્યું છે કે પેપર લીક હત્યા કરતાં પણ વધુ ગંભીર ગુનો છે, કારણ કે તેની અસર લાંબા સમય સુધી સમગ્ર સમાજ પર પડે છે. આ જ ટિપ્પણી સાથે અદાલતે બુધવારે છત્તીસગઢ લોક સેવા આયોગ (CGPSC)ના પૂર્વ સચિવ અને નિવૃત્ત IAS અધિકારી જીવન કિશોર ધ્રુવની જામીન અરજી નામંજૂર કરી દીધી.
જસ્ટિસ બિભુ દત્તા ગુરુની એકલ પીઠે કહ્યું કે પરીક્ષાની પવિત્રતા સાથે ચેડાં જેવા ગુનાઓને સામાન્ય ગુનો કહી શકાય નહીં. અદાલતે કહ્યું કે આરોપીઓની કથિત હરકત “વાડ જ ખેતર ખાઈ ગઈ” જેવી છે.
CBIએ સપ્ટેમ્બર 2025માં 2021ની CGPSC પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને ભાઈ-ભત્રીજાવાદની તપાસ દરમિયાન જીવન કિશોર ધ્રુવની ધરપકડ કરી હતી.
ધ્રુવ પર આરોપ છે કે CGPSCના સચિવ તરીકે કાર્યકાળ દરમિયાન તેમણે પોતાના પુત્ર સુમિત ધ્રુવને ડેપ્યુટી કલેક્ટરની નોકરી અપાવી હતી. આ મામલે CBIએ આયોગના તત્કાલીન અધ્યક્ષ તમન સિંહ સોનવાણીની પણ ધરપકડ કરી હતી.
બુધવારે આપેલા પોતાના આદેશમાં જસ્ટિસ ગુરુએ કહ્યું, “અમે અગાઉ પણ આ કેસના અન્ય આરોપીઓની જામીન અરજી પર સુનાવણી દરમિયાન કહી ચૂક્યા છીએ કે જે વ્યક્તિ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કરવામાં મદદ કરે છે, તે લાખો યુવાનોના ભવિષ્ય અને કારકિર્દી સાથે ચેડાં કરે છે. આ તે વિદ્યાર્થીઓ છે, જે દિવસ-રાત મહેનત કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. આવો ગુનો હત્યા કરતાં પણ વધુ ગંભીર છે, કારણ કે હત્યાથી માત્ર એક પરિવાર પ્રભાવિત થાય છે, પરંતુ લાખો ઉમેદવારોનું ભવિષ્ય બરબાદ થતાં સમગ્ર સમાજ પ્રભાવિત થાય છે.”
તેમણે આગળ કહ્યું, “તેથી હાલના આરોપીઓ સામે લાગેલા આરોપોને કોઈપણ પરિસ્થિતિમાં સામાન્ય કહી શકાય નહીં. આરોપીઓની કથિત હરકત ‘વાડ જ ખેતર ખાઈ ગઈ’નું સ્પષ્ટ ઉદાહરણ છે.”
CBIએ જીવન કિશોર ધ્રુવ અને તેમના પુત્ર સુમિત ધ્રુવ સામે ચાર્જશીટ દાખલ કરી છે.
તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, CGPSCના પરીક્ષા નિયંત્રકે જણાવ્યું હતું કે જીવન કિશોર ધ્રુવના ઘરેથી જપ્ત કરાયેલી એક પ્રશ્નપુસ્તિકાના 42 પ્રશ્નો, 2021ની મુખ્ય પરીક્ષાના પેપર નંબર-7ના પ્રશ્નો સાથે મેળ ખાતા હતા.
આ ઉપરાંત CBIએ આરોપ મૂક્યો કે સુમિત ધ્રુવે ક્રિપ્ટોકરન્સી, રશિયા-યુક્રેન યુદ્ધ અને સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા, દંતેવાડા જિલ્લો તેમજ છત્તીસગઢ ટોનહી પ્રતિાડના નિવારણ અધિનિયમ જેવા વિષયો પર અગાઉથી નિબંધની તૈયારી કરી હતી.
બાદમાં આ જ વિષયો મુખ્ય પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા. CBIનો આરોપ છે કે ગોપનીય પરીક્ષા સામગ્રી અગાઉથી મળી જવાને કારણે સુમિત ધ્રુવ માટે પરીક્ષા પાસ કરવી સરળ બની ગઈ.

