Chhattisgarh Suicide Cases: દેશમાં આત્મહત્યાના કેસોમાં છત્તીસગઢ ચોથા સ્થાને, પાંચ વર્ષમાં લગભગ 40 હજાર લોકોએ જીવ ગુમાવ્યો

Arati Parmar
3 Min Read

Chhattisgarh Suicide Cases: વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ (10 સપ્ટેમ્બર)ના અવસરે સામે આવેલા સરકારી આંકડા અનુસાર, છત્તીસગઢ આત્મહત્યાના કેસોમાં દેશભરમાં ચોથા સ્થાને છે. છેલ્લા પાંચ વર્ષમાં 40,000 લોકોએ જીવ ગુમાવ્યો છે.

અહેવાલ મુજબ, રાજ્યમાં આત્મહત્યા સંબંધિત સરકારી આંકડા અને મનોચિકિત્સકોના મૂલ્યાંકન ચિંતાજનક તસવીર રજૂ કરે છે. નોંધાયેલા આત્મહત્યાના કેસોની દૃષ્ટિએ છત્તીસગઢ હવે દેશમાં ચોથા સ્થાને છે અને તેની સૌથી વધુ અસર યુવાનો પર પડી રહી છે.

- Advertisement -

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ના આંકડા અનુસાર, વર્ષ 2020થી 2024 વચ્ચે છત્તીસગઢમાં અંદાજે 39,814 લોકોએ આત્મહત્યા કરી. રાજ્યમાં 2020માં 7,710 આત્મહત્યાના કેસ નોંધાયા હતા, જ્યારે 2021માં આ સંખ્યા વધીને 7,828 થઈ ગઈ. વર્ષ 2022માં આત્મહત્યાના કેસ વધીને 8,446 સાથે સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. 2023માં આ સંખ્યા ઘટીને 7,868 થઈ હતી, પરંતુ 2024માં ફરી વધારો નોંધાયો અને તે વર્ષે 7,962 લોકોએ આત્મહત્યા કરી.

છત્તીસગઢમાં આત્મહત્યાનો દર પ્રતિ એક લાખ વસ્તીએ 26 છે, જે રાષ્ટ્રીય સરેરાશ પ્રતિ લાખ 12.3 કરતાં બમણાથી પણ વધુ છે.

- Advertisement -

રાજ્યમાં નોંધાયેલા કુલ આત્મહત્યાના કેસોમાં 18થી 30 વર્ષની વયના યુવા પુખ્તોની ભાગીદારી 34.6 ટકા છે. આ રીતે આ વયજૂથ સૌથી વધુ સંવેદનશીલ સમૂહ બની ગયું છે.

રાયપુર સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેલિ-માનસ હેલ્પલાઇન (14416) પર આવનારા દર 10 કૉલમાંથી આશરે ચાર કૉલ 18થી 28 વર્ષની વયના યુવાનોના હોય છે. આ કૉલમાં સૌથી મુખ્ય ફરિયાદ ખૂબ વધારે એકલતા અને ‘કોઈ તેમની વાત સાંભળી રહ્યું નથી’ એવી લાગણીની હોય છે.

- Advertisement -

જોકે, યુવાનો સાથે જોડાયેલી આ ચિંતાઓ ઉપરાંત આર્થિક અસુરક્ષા અને સામાજિક પરિસ્થિતિઓ પણ આ સંકટને વધુ ગંભીર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

અખબાર અનુસાર, માનસિક આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે નબળો પડતો સામાજિક સહયોગ અને નશાની વધતી જતી પ્રવૃત્તિને કારણે અચાનક અને આવેશમાં લેવાયેલા પગલાંથી થતી દુર્ઘટનાઓની સંખ્યા વધી રહી છે.

રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં સામે આવેલી તાજેતરની ઘટનાઓ આ અસ્થિરતાને ઉજાગર કરે છે. કોરબા જિલ્લામાં 52 વર્ષની એક મહિલાએ સોશિયલ મીડિયા પર રીલ જોતી વખતે ઇન્ટરનેટ કનેક્શન બંધ થઈ ગયા બાદ કીટનાશક પી લીધું. દુર્ગમાં 10 વર્ષના એક બાળકે મોટા ભાઈ-બહેનની ઠપકો આપ્યા બાદ આત્મહત્યા કરી લીધી. જ્યારે જાંજગીર-ચાંપામાં 25 વર્ષના એક યુવાને ખોટા પોલીસ કેસમાં ફસાવવાની ધમકી મળ્યા બાદ પોતાનો જીવ આપી દીધો.

મનોચિકિત્સકોનો ભાર એ વાત પર છે કે આત્મહત્યાને ગુનો અથવા નૈતિક નબળાઈના સંકેત તરીકે જોવાને બદલે તેને નિવારી શકાય તેવા જાહેર આરોગ્ય સંકટ તરીકે સમજવું જોઈએ. તેમનું કહેવું છે કે પરિવાર અને સમુદાયોએ આવા લોકો પ્રત્યે નિર્ણય સંભળાવવાના અથવા દોષ આપવાના બદલે સહાનુભૂતિભર્યું વલણ અપનાવવું જોઈએ અને તેમના માટે વ્યક્તિગત સુરક્ષા તથા સહાયની મજબૂત વ્યવસ્થા તૈયાર કરવી જોઈએ.

અખબારે નિષ્ણાતોને ટાંકીને જણાવ્યું છે કે આત્મહત્યાના વિચારો સાથે સંઘર્ષ કરી રહેલી વ્યક્તિ ગંભીર માનસિક પીડામાંથી પસાર થઈ રહી હોય છે અને તેને સૌથી પહેલાં સમજણ, સહાય અને સંવેદનશીલતાની જરૂર હોય છે.

Share This Article