નવી દિલ્હી, તા. 17 : કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (મુડા) જમીન કૌભાંડ મામલે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી હતી. આ મુદ્દે રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું હતું. એક તરફ ભાજપે સિદ્ધારમૈયાનાં રાજીનામાની માંગ કરી હતી, તો બીજી તરફ કોંગ્રેસે કેસ ચલાવવાની અનુમતિ કેન્દ્ર સરકારનું ષડયંત્ર છે, તેવો આરોપ મૂક્યો હતો. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભડકી ઊઠતાં રાજ્યપાલના આદેશને અદાલતમાં પડકાર ફેંકવાનું એલાન કર્યું હતું. પોતાને અને પરિવારને નિર્દોષ લેખાવીને તેમણે કહ્યું હતું કે, તમામ ધારાસભ્ય, સાંસદ, આખું મંત્રીમંડળ તેમજ પક્ષનું નેતૃત્વ મારી સાથે છે. તેમણે ભાજપ અને જેડીએસ પર છીછરી રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો હતો.

કર્ણાટક સરકારના મંત્રી એમ. બી. પાટિલે રાજ્યપાલ ગેહલોત પર કેન્દ્ર સરકારનાં દબાણમાં કામ કરવાનો આરોપ મૂકયો હતો. ભાજપે આ મુદ્દે ખાસ પત્રકાર પરિષદ બોલાવીને પ્રહારો કર્યા હતા. કેસરિયા પક્ષના નેતા શહજાદ પૂનાવાલાએ એવી માંગ કરી હતી કે, મુડા જમીન કૌભાંડની તટસ્થ તપાસ માટે સિદ્ધારમૈયાએ રાજીનામું આપી દેવું જોઈએ. આ કૌભાંડ પાંચ હજાર કરોડ રૂપિયાનું છે, જેમાં મુખ્યમંત્રીનાં પત્ની, મિત્રો અને સહયોગીઓને મોંઘી જમીનોની લહાણી કરાઈ છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
કર્ણાટક સરકારના આઈટી મંત્રી પ્રિયાંક ખડગેએ એવો આરોપ મૂક્યો હતો કે, ભાજપના વડપણવાળી કેન્દ્ર સરકારે અમારી ચૂંટાયેલી સરકારને કમજોર કરવા રાજભવનનો દુરુપયોગ કર્યો છે. સિદ્ધારમૈયા વિરુદ્ધ મુખ્ય આરોપ મૌડા દ્વારા કરવામાં આવેલી જમીનની ફાળવણીમાં હેરાફેરીનો છે. જે માટે તેમણે પોતાના પત્ની પાર્વતી સિદ્ધારમૈયાને ફાયદો કરાવ્યો હતો. જો કે સિદ્ધારમૈયાએ પોતાના વિરુદ્ધ આરોપ ફગાવી દઈ દાવો કર્યો છે કે મુખ્યમંત્રી પદે રહેતા તેમણે કોઈ હસ્તક્ષેપ કર્યો નથી. સિદ્ધારમૈયા પર ર0ર3માં વિધાનસભા ચૂંટણીના સોગંદનામામાં પોતાનાં પત્નીની જમીનની માલિકીનો ખુલાસો ન કર્યાનો આરોપ લાગ્યો હતો. ફરિયાદમાં જનપ્રતિનિધિત્વ અધિનિયમ સહિત અન્ય કાયદાકીય જોગવાઈને ટાંકવામાં આવ્યા બાદ રાજયપાલે તપાસને મંજૂરી આપી છે.

