અમદાવાદ, તા. 29 : મધ્યપ્રદેશથી ગુજરાત પહોંચેલું ડીપ ડિપ્રેશન ભુજથી 70 કિલોમીટર ઉત્તર-પશ્ચિમે સ્થિર થયા બાદ હવે?ધીમી ગતિએ દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. તે વાવાઝોડાંમાં પરિવર્તિત થઇને 30મી ઓગસ્ટ સુધી કચ્છમાંથી પસાર થઇને અરબ સાગરમાં પહોંચશે, તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. 75-80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની વચ્ચે કચ્છમાં સાયક્લોનની આંખ બની રહી છે. તે ધીમે-ધીમે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. 31મી બાદ તે ઓમાન પર ત્રાટકે તેવી પણ આગાહી છે. નોંધનીય છે કે, ડિપ્રેશન ગુજરાત પરથી નીકળી ગયા બાદ વાવાઝોડાંમાં ફેરવાશે, જે ગુજરાત માટે રાહતના સમાચાર છે.

`ડીપ ડિપ્રેશન’ને કારણે રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ જઈ રહ્યું છે. જે ભયંકર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. જે 2 તારીખની રાતે ઓમાનમાં ટકરાશે. જોકે ત્યાં સુધી એની ગતિ ઓછી થઈ જાય તેવી પૂરી સંભાવના છે. પાકિસ્તાન અને ઓમાન વચ્ચે આ વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરશે. આગાહીમાં જણાવાયું છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ભારે વાવાઝોડાં સાથે ભારે વરસાદની સંભાવના છે. આ સાથે 55થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. જેના પરિણામે હજુ પણ 48 કલાક સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હાલ ડિપ્રેશન કચ્છના અખાત પર થઈને અરબી સમુદ્રમાં પહોંચ્યું છે અને હવે તે જામનગર અને દ્વારકા પર સ્થિર થયું છે, જેના કારણે સૌરાષ્ટ્ર- કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

