Dalit Couple Temple Entry Controversy: કર્ણાટકમાં દલિત નવદંપતીને મંદિરમાં પ્રવેશતા અટકાવવા ‘દેવીનો અવતાર’ લેવાનું નાટક, વીડિયો વાયરલ થતા જ પોલીસ હરકતમાં

Arati Parmar
2 Min Read

Dalit Couple Temple Entry Controversy: કર્ણાટકના તુમકુરુ જિલ્લાના તુરુવેકેરે તાલુકામાં આવેલા ગોની ગામના અરસમ્મા મંદિરમાં એક દલિત પરિવાર સાથે કથિત જાતિગત દુર્વ્યવહારનો ગંભીર મામલો સામે આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, ત્યારબાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. ફરિયાદ મુજબ, એક નવપરિણીત દલિત દંપતી, પુણીત અને પંકજા, લગ્ન પછી મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. ત્યારે ત્યાં હાજર એક ઉચ્ચ જ્ઞાતિના વ્યક્તિ નારાયણપ્પાએ કથિત રીતે દેવીનો અવતાર લેવાનું નાટક કર્યું અને જોરજોરથી બૂમો પાડતા કહ્યું કે દલિતોને મંદિર પરિસરમાં પ્રવેશની મંજૂરી નથી.

પીડિત પરિવારના જણાવ્યા મુજબ, નારાયણપ્પાએ તેમને ઠપકો આપીને મંદિરની બહાર જવા કહ્યું અને પૂજા ઘરે કરવાની સલાહ આપી. ઘટના દરમિયાન ત્યાં હાજર અન્ય લોકો તમાશો જોતા રહ્યા. ઘટનાનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયો છે, જેમાં આરોપીને એમ કહેતા સાંભળી શકાય છે કે, “દલિતોનો મંદિરમાં પ્રવેશ વર્જિત છે… બહાર જાઓ.”

- Advertisement -

પીડિતની ફરિયાદ પર ગુનો નોંધાયો

આ અપમાનજનક ઘટનાથી દુઃખી થઈને પીડિત પંકજાના ભાઈ જગદીશે તુરુવેકેરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ નારાયણપ્પાની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત પ્રભા, કંતન્ના, અમૂલ્યા, પુટ્ટેગૌડા, પદ્મા સહિત અન્ય લોકો સામે પણ FIR નોંધવામાં આવી છે.

પોલીસનું કહેવું છે કે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે અને તપાસ આગળ વધારવામાં આવી રહી છે. બીજી તરફ, તંત્રએ ગામમાં શાંતિ બેઠક યોજી હતી અને ગ્રામજનોને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અસ્પૃશ્યતા એ દંડનીય અપરાધ છે.

- Advertisement -

આ ઘટના એટલે પણ ચર્ચામાં છે કારણ કે તે રાજ્યના ગૃહમંત્રી જી. પરમેશ્વરાના જ જિલ્લા તુમકુરુમાં બની છે. દલિત સંગઠનો અને સામાજિક કાર્યકરોએ આ ઘટનાને કર્ણાટકમાં હજુ પણ ચાલુ જાતીય ભેદભાવનો પુરાવો ગણાવ્યો છે. હાલમાં પોલીસ આગળની તપાસ કરી રહી છે અને વાયરલ વીડિયો તથા પ્રત્યક્ષદર્શીઓના નિવેદનના આધારે આરોપીઓ સામે કડક કાર્યવાહીની તૈયારીમાં છે.

Share This Article