તા.1 જુલાઈથી અમલમાં આવશે.નવા ફોજદારી કાયદા : બ્રિટિશ યુગનો અંત

Reena Brahmbhatt
4 Min Read

નવી દિલ્હી, તા. 30 : આવતીકાલથી દેશભરમાં ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવશે જે ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં ધરમૂળથી ફેરફાર લાવશે અને તે સાથે જ અંગ્રેજોના યુગના કાયદાઓ પર પરદો પડી જશે. ડિસેમ્બર 2023માં સંસદે પસાર કરેલા ત્રણ કાયદા તા.1 જુલાઈથી અમલમાં આવશે. નવા કાયદાઓને ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ તરીકે ઓળખવામાં આવશે. આ ત્રણેય કાયદા ભારતીય દંડ સંહિતા (1860), ફોજદારી પ્રક્રિયાની સંહિતા (1898) અને ભારતીય પુરાવા અધિનિયમ (1872)નું સ્થાન લેશે. કાયદા અમલમાં આવતાંની સાથે જ તેની કલમોના ક્રમ પણ બદલાઈ જશે.

criminal

- Advertisement -

આ બિલોને 20 ડિસેમ્બરે લોકસભા અને 21 ડિસેમ્બરે રાજ્યસભા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યસભામાં ધ્વનિમત દ્વારા બિલ પસાર કરવામાં આવ્યાં હતાં. બાદમાં 25 ડિસેમ્બરે રાષ્ટ્રપતિની મંજૂરી પછી ખરડો કાયદો બન્યો હતો. જો કે, તેની અમલવારીની તા. 1 જુલાઈ, 2024 રાખવામાં આવી હતી. હવે 511ની જગ્યાએ 358 કલમો નવી સંહિતામાં ઓવરલેપ કલમોને મર્જ કરવામાં આવી છે અને તેને સરળ બનાવવાનો પ્રયાસ થયો છે. ભારતીય દંડ સંહિતામાં 511 કલમો હતી અને હવે ભારતીય ન્યાયિક સંહિતામાં 358 કલમો રહેશે. ટ્રાયલ પૂર્ણ થયાના 45 દિવસમાં ચુકાદો નવા કાયદા મુજબ ફોજદારી કેસોમાં પ્રથમ સુનાવણીના 60 દિવસમાં આરોપો ઘડવામાં આવશે જ્યારે ચુકાદો ટ્રાયલ પૂર્ણ થયાના 45 દિવસમાં આવશે. બળાત્કાર કેસમાં મેડિકલ રિપોર્ટ સાત દિવસમાં બળાત્કાર પીડિતાનું નિવેદન મહિલા પોલીસ અધિકારી દ્વારા તેના વાલી અથવા સંબંધીની હાજરીમાં નોંધવામાં આવશે અને તેનો મેડિકલ રિપોર્ટ સાત દિવસમાં રજૂ કરવાનો રહેશે. બે મહિનામાં સંપૂર્ણ તપાસ મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓની તપાસને નવા કાયદામાં પ્રાથમિકતા આપવામાં આવી છે, જેથી કેસ નોંધ્યાના બે મહિનામાં તપાસ પૂર્ણ કરવાની રહેશે તેમજ મહિલાઓ અને બાળકો સામેના ગુનાના પીડિતોને તમામ હોસ્પિટલમાં મફત પ્રાથમિક સારવાર આપવામાં આવશે.

પીડિતાનું નિવેદન ઓડિયો-વીડિયો માધ્યમ દ્વારા નોંધાશે બળાત્કારના ગુનાના પીડિતાને વધુ સુરક્ષા આપવા અને તપાસમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે પોલીસ દ્વારા પીડિતાનું નિવેદન ઓડિયો-વીડિયો માધ્યમ દ્વારા નોંધવામાં આવશે. પોલીસ સહાય મેળવવી સરળ બનશે મહિલાઓ, 15 વર્ષથી ઓછી ઉંમરના લોકો, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને વિકલાંગતા ધરાવતા અથવા ગંભીર બીમારીથી પીડિત લોકોને પોલીસ સ્ટેશન આવવામાંથી મુક્તિ આપવામાં આવશે. તેઓ તેમનાં ઘરે પોલીસ સહાય મેળવી શકશે. બાળકનું ખરીદ-વેચાણ જઘન્ય અપરાધ, સામૂહિક બળાત્કારમાં મૃત્યુદંડ નવા કાયદા મુજબ બાળકની ખરીદી અને વેચાણને જઘન્ય અપરાધ બનાવવામાં આવ્યો છે. બીજી તરફ સગીર સાથે સામૂહિક બળાત્કારના ગુનામાં મૃત્યુદંડ અથવા આજીવન કેદની જોગવાઈ ઉમેરવામાં આવી છે. રાજદ્રોહ નહીં, દેશદ્રોહ કહેવાશે નવા કાયદામાં અંગ્રેજ કાળનો શબ્દ હટાવાયો છે. હવે રાજદ્રોહની જગ્યાએ દેશદ્રોહ શબ્દનો પ્રયોગ થશે. આઇપીસીની કલમ 124 હેઠળ રાજદ્રોહના ગુનામાં સજા થતી આવી છે. ભારતીય ન્યાય સંહિતાના 7મા અધ્યાયમાં દેશ સામેના ગુનાને દેશદ્રોહ હેઠળ મુકાયા છે.

- Advertisement -

કલમ 302નાં સ્થાને 101 અગાઉ હત્યાના ગુનામાં કલમ 302 હેઠળ આરોપી બનાવવામાં આવતા હતા. હવે આવા ગુનેગારોને કલમ 101 હેઠળ સજા થશે. કલમ 307ની જગ્યાએ 109 હત્યાના પ્રયાસના કેસમાં આરોપીને પહેલાં આઇપીસીની કલમ 307 હેઠળ સજા કરવામાં આવતી હતી જ્યારે હવે આવા ગુનેગારોને ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 હેઠળ સજા કરવામાં આવશે. કલમ 420ની જગ્યાએ 316 પહેલાં છેતરાપિંડીનો ગુનો કલમ 420 હેઠળ આવરી લેવામાં આવતો હતો પરંતુ હવે તે કલમ 316 હેઠળ આવશે. બળાત્કારના ગુનામાં કલમમાં ફેરફાર અગાઉ બળાત્કારના ગુનામાં સજા આઈપીસીની કલમ 376માં વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. જો કે, ભારતીય ન્યાય સંહિતામાં તેને પ્રકરણ 5માં મહિલાઓ અને બાળકો સામેના ગુનાની શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. નવા કાયદામાં બળાત્કારના ગુનાઓ માટે કલમ 63માં સજાની વ્યાખ્યા કરવામાં આવી છે. બીજી તરફ ગેંગરેપના ગુનાને કલમ 70માં સામેલ કરાયો છે.

Share This Article