દિલ્હીમાં ધૂળની ડમરી અને વાવાઝોડાથી, ત્રણના મોત

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 11 : દિલ્હી એનસીઆરમાં આકરી ગરમી વચ્ચે શુક્રવારે રાત્રે ધૂળની ડમરીઓ સાથે હળવો વરસાદ થયો હતો. આ દરમિયાન વૃક્ષો પડવાથી બે લોકોનાં મોત થયાં હતાં. જોરદાર વાવાઝોડાંને કારણે ઘણી ઇમારતોને પણ નુકસાન થયું છે. વાવાઝોડાંને કારણે વિવિધ અકસ્માતોમાં કુલ 23 લોકો ઘાયલ થયા છે. પવનની ઝડપ 50થી 70 કિ.મી. પ્રતિ કલાકની વચ્ચે નોંધાઈ હતી. દિલ્હી એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે, ખરાબ હવામાનને કારણે નવ ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી છે.

રસ્તાઓ પર વૃક્ષો પડવાને કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. પોલીસે જણાવ્યું કે, તેમને વૃક્ષો પડવા સંબંધિત 152, ઈમારતોને નુકસાન સંબંધિત 55 અને પાવર કટ સંબંધિત 202 કોલ મળ્યા છે. તોફાન અને વરસાદ બાદ દિલ્હી એનસીઆરમાં વધતા તાપમાનથી લોકોને રાહત મળી છે. શનિવારે સવારથી વાતાવરણ ખુશનુમા રહ્યું હતું. કેટલાક સ્થળોએ હળવો ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. ઉત્તરાખંડમાં વરસાદને કારણે બેનાં મોત, બદ્રીનાથ-હૃષીકેશ હાઈવે બંધ વરસાદને કારણે ઉત્તરાખંડમાં પણ તારાજી સર્જાઈ છે.

- Advertisement -

delhi 2

રાજ્યના પહાડી વિસ્તારોમાં અને બદ્રીનાથ હાઈવે પર પીપલ કોઠી પાસે ભારે વરસાદને કારણે બે લોકોનાં મોત થયાં છે. જ્યારે છ લોકો ઘાયલ થયા હતા. ઇમારતોને નુકસાન થવાથી 17 લોકો ઘાયલ થયા છે.બદ્રીનાથ-હૃષીકેશ હાઈવે સિરોબાગઢ પાસે રોડ પર કાટમાળ જમા થવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે બદ્રીનાથ અને કેદારનાથ જતા મુસાફરોને શ્રીકોટ-શ્રીનગર અને કાલિયાસુદ ખાતે રોકી દેવામાં આવ્યા છે. સિરોબાગઢમાં, પહાડ પરથી સતત કાટમાળ અને પથ્થરો પડવાને કારણે રસ્તો ખૂલી શકતો નથી. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ શનિવારે દેશના 13 રાજ્યમાં વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન ઉપરાંત, તેમાં ઉત્તરાખંડ, તમિલનાડુ, દક્ષિણ પંજાબ, હરિયાણા, મેઘાલય, અરુણાચલપ્રદેશ, આસામ, મણિપુર, કર્ણાટક અને કેરળનો સમાવેશ થાય છે.

- Advertisement -
Share This Article