એકનાથ શિંદે, ફડણવીસ અને અજિત પવાર આજે દિલ્હી જશે

Reena Brahmbhatt
1 Min Read

મુંબઈ, તા. 27 : એકનાથ શિંદેએ પત્રકાર પરિષદમાં મુખ્ય પ્રધાનપદનો નિર્ણય વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ લેશે એ માન્ય રાખવાની ઘોષણા કરવા સાથે જ મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર રચવાના ચક્રો મુંબઈથી દિલ્હી સુધી ગતિમાન થઈ ગયા છે.

આ ક્રમમાં આવતીકાલે પાટનગર દિલ્હીમાં કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, શિવસેનાના એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદીના નેતા અજિત પવાર મળવાના છે. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન મહાયુતિની સરકાર અને ખાતાઓની વહેંચણી સંબંધી વાતચીત થાય એવી શક્યતા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, આગામી બેઠકમાં બધી બાબતો સ્પષ્ટ થશે. આગામી સરકારમાં મારી ભૂમિકા સહિત વિવિધ બાબતો અમિત શાહ સાથેની બેઠક બાદ સ્પષ્ટ થશે. મુખ્ય પ્રધાન શિંદેએ આજે થાણેમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં નેતૃત્વ વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે નિર્ણય લેશે તેને તેઓ શિરોમાન્ય ગણશે. પ્રાપ્ત માહિતી અનુસાર એકનાથ શિંદેએ આજે થાણેમાં આ જાહેરાત કરી તે પહેલાં પોતાની કેટલીક શરતો ભાજપના મોવડીઓ સમક્ષ મૂકી દીધી છે.

- Advertisement -

શિંદેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અથવા કેન્દ્રમાં પ્રધાન થવાની શરતનો અસ્વીકાર કર્યો છે, પરંતુ પોતાના પુત્ર ડૉ. શ્રીકાંત શિંદેને મહારાષ્ટ્રમાં નાયબ મુખ્ય પ્રધાન બનાવવા અને પોતાને `મહાયુતિ’ના સંયોજક બનાવવાનો તેમ જ પોતાના પક્ષના નેતાઓ માટે ગૃહખાતા સહિત કેટલાંક મહત્ત્વનાં ખાતાં ફાળવવાની શરત મૂકી છે.

Share This Article