Germany rejects sanctions on India: જર્મનીનો મોટો નિર્ણય: ભારત પર પ્રતિબંધ નહીં, કહ્યું- ટ્રમ્પની સામે ભારત સાથે મિત્રતા મજબૂત કરશું

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Germany rejects sanctions on India: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર સમગ્ર વિશ્વની જિયોપોલિટિક્સ બદલી નાખી છે. ટ્રમ્પ ભારતથી નારાજ છે, તેમણે 50 ટકા ટેરિફ લાદ્યો છે, આ સાથે તેમણે અન્ય દેશોને પણ ભારત પર પ્રતિબંધો લાદવાની અપીલ કરી છે, પરંતુ હવે જર્મન વિદેશ મંત્રીએ ભારત આવતા પહેલા નિવેદન આપીને અમેરિકાને ઝટકો આપ્યો છે. જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલનું કહેવું છે કે, ‘અમે ભારત સાથે મિત્રતા વધારીશું કારણ કે અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે.’

જર્મન વિદેશ મંત્રી ISROની મુલાકાત લેશે

- Advertisement -

જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલ આજે (બીજી સપ્ટેમ્બર) ભારતની મુલાકાતે આવ્યા છે. તે બેંગલુરુ જશે અને ISROની મુલાકાત લેશે. ત્યારબાદ નવી દિલ્હી પહોંચે અને ભારતના વિદેશ મંત્રી સહિત ઘણાં નેતાઓને મળવાના છે. જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલે ‘X’ પર લખ્યું કે, ‘ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મુખ્ય ભાગીદાર છે. અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે. સુરક્ષા સહયોગથી લઈને નવી તકનીકો અને ટેકનોલોજી અને કુશળ કામદારોની ભરતી સુધી, અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત કરવાની અપાર સંભાવનાઓ છે. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ અને સૌથી મોટા લોકશાહી તરીકે, ભારતનો અવાજ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની બહાર પણ સાંભળવામાં આવે છે.’

જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલે ‘X’ પર લખ્યું કે, ‘ભારત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લોકશાહી હોવાને કારણે અમે ભાગીદાર છીએ. મહત્ત્વપૂર્ણ ભૂ-રાજકીય પડકારોનો સામનો કરીને, અમે સાથે મળીને નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવી રાખી છે.’

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, અમેરિકન સરકારે યુરોપિયન દેશોને ભારત પર પણ એ જ પ્રકારના પ્રતિબંધો લાદવા કહ્યું હતું જે અમેરિકાએ ભારત પર લગાવ્યા છે. તેમણે સલાહ આપી હતી કે યુરોપે ભારતમાંથી આયાત થતી બધી વસ્તુઓ પર તાત્કાલિક રોક લગાવવી જોઈએ અને ટેરિફ લાદવી જોઈએ. અમેરિકા ઇચ્છે છે કે યુરોપિયન દેશો તેનું સમર્થન કરે, પરંતુ જર્મન વિદેશ મંત્રીની ભારત મુલાકાત અને તેમના નિવેદનને અમેરિકા માટે ઝટકો માનવામાં આવી રહ્યો છે.

Share This Article