અમદાવાદ, તા. 1 : રાજ્યની 80 નગરપાલિકા, ખેડા-બનાસકાંઠા એમ 2 જિલ્લા પંચાયતો, 17 તાલુકા પંચાયતો અને 539 જેટલી વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલી નવી ગ્રામ પંચાયતો સહિત કુલ 4765 ગ્રામ પંચાયતોની છેલ્લાં બે વર્ષથી બાકી રહેલી ચૂંટણીઓ ઉપરાંત અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સભ્યોનાં રાજીનામા કે મૃત્યને કારણે ખાલી પડેલી બેઠકો ઉપર હવે આગામી નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ચૂંટણી યોજાય તે દિશામાં રાજ્ય ચૂંટણીપંચે તૈયારીઓ આરંભી છે. ગુજરાતમાં આ વખતે પ્રથમવાર 27 ટકાની ઓબીસીની અનામત બેઠકો સાથે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ (એસસી)ની 7 ટકા અને અનુસૂચિત જનજાતિ (એસટી)ની 14 ટકા અનામત સાથે કુલ 48 ટકા અનામત બેઠકો તથા બાકી રહેતી 52 ટકા જનરલ બેઠકો સાથે ચૂંટણી યોજાશે. આ સંદર્ભે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ચાલુ ઓગસ્ટ માસના મધ્ય કે અંત સુધીમાં જાહેરનામું બહાર પડાશે, ત્યારબાદ એક મહિનાની મુદ્દતમાં લોકોના વાંધા-સૂચનો મગાવાશે અર્થાત્ સપ્ટેમ્બર-2024ના અંત સુધીમાં આ પ્રક્રિયા આટોપીને ચૂંટણીની જાહેરાત કરાશે.

એવી જ રીતે, વિસાવદર અને વાવ વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર પણ ચૂંટણી યોજાય તેવી સંભાવના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં રાજ્ય ચૂંટણી કમિશનર તરીકે 2 સપ્ટેમ્બર-2019થી નિવૃત્ત આઈએએસ ઓફિસર સંજયપ્રસાદ સેવારત છે, પરંતુ હવે 2 સપ્ટેમ્બર-2024ના તેમના હોદ્દાની 5 વર્ષની મુદ્દત પૂરી થાય છે. રાજ્ય ચૂંટણી કમિશનરની મુદ્દત પૂરી થયા બાદ તેમના હોદ્દાની મુદ્દતમાં કોઈ વધારો (એક્સટેન્શન) અપાતો નથી, એટલે કે 2જી સપ્ટેમ્બર-2024ના હાલના રાજ્ય ચૂંટણીપંચના કમિશનર સંજય પ્રસાદ નિવૃત્ત થશે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, જો ચૂંટણી કમિશનર જ નિવૃત્ત થઈ જશે તો, કોના નેતૃત્વમાં આ ચૂંટણી યોજાશે ? તો- રાજ્ય સરકારે હવે, સંજય પ્રસાદની નિવૃત્તિ અગાઉ કોઈ નવા રાજ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ કરવી પડશે. જોકે, 31મી, જુલાઈ-2024ના રાજ્ય સરકારે જે 17 આઈએએસ ઓફિસરોની બદલી કરી છે કે નવી જવાબદારીઓ સોંપી છે.
તેમાં ખાસ કરીને આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ તરીકે કાર્યરત 1998 બેંચના ઓફિસર ડો. એસ. મુરલી ક્રિષ્નાને રાજ્ય ચૂંટણીપંચના કમિશનરના ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિયુક્તિ આપી છે, ત્યારે એમ મનાય છે કે, હાલના રાજ્ય ચૂંટણીપંચના કમિશનરની નિવૃત્તિ બાદ સપ્ટેમ્બરમાં એસ. મુરલી ક્રિષ્નાને રાજ્ય ચૂંટણીપંચના કમિશનર તરીકેની જવાબદારી સોંપાય તેવી શક્યતા નકારી શકાતી નથી. અહીં નોંધવું ઘટે કે, ગુજરાતમાં આ ચૂંટણીઓ ન થવાનું મુખ્ય કારણ એ હતું કે, અહીં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસીને 10 ટકા અનામત બેઠકો અપાતી હતી, પરંતુ આ અનામત નક્કી કરવા માટે સરકારે, હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એસ. ઝવેરીના અધ્યક્ષ સ્થાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી માટેની અનામત બેઠકો નક્કી કરવા માટે સમર્પિત આયોગની રચના કરી હતી. જેણે તેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરી દીધો છે અને તેની ભલામણો મુજબ સરકારે ઓબીસીની અનામત બેઠકો 10 ટકાથી વધારીને 27 ટકા કરવાનો નિર્ણય પણ જાહેર કરી દીધો છે.

