ગુજરાતઃ ગોધરામાં આઈસ્ક્રીમના વેરહાઉસમાં આગ ફાટી નીકળી
રાજ્યમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી રહે છે. ગોધરામાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. પંચમહાલના ગોધરા જીઆઈડીસીમાં બુધવારે દૂધની બનાવટો બનાવતી ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. ગોધરામાં આવેલી ફેક્ટરીના ત્રીજા માળે આવેલા આઈસ્ક્રીમના વેરહાઉસમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગોધરા ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ફાયટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આગની ઘટના બાદ ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો.
બીજી તરફ મોરબીના રફલેશ્વર ગામ પાસે સીટ કવર બનાવવાના કારખાનામાં બુધવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાના કારણ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક મોરબી ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી.
