નવી દિલ્હી, તા. 7 : ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા લાંબા સમયથી ખાલિસ્તાની આતંકવાદ, હિન્દુ મંદિર પર હુમલો સહિતના વિવિધ કારણે તણાવભર્યો માહોલ રહ્યો છે, તે વચ્ચે વિદેશમંત્રી એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયા ખાતે તેમના સમકક્ષ પેની વોંગ સાથે યોજેલી પત્રકાર પરિષદમાં ઉઠાવેલા મુદ્દાઓથી અકળાયેલી જસ્ટિન ટ્રુડો સરકારે ઓસ્ટ્રેલિયન મીડિયા પર પ્રતિબંધ લાદી દીધો હતો, જેની ભારતે નિંદા કરી અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ કેનેડાએ સુરક્ષા વ્યવસ્થા આપવાનો ઈન્કાર કરતાં ભારતીય સમુદાયની સુરક્ષાને પ્રાધાન્ય આપતાં ભારતે તેના રાજદ્વારી કેમ્પ રદ કરવાનો નિર્ણય લીધો હતો.
એક મીડિયા હેવાલ મુજબ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું હતું કે, બ્રેમ્પટનમાં ખાલિસ્તાનીઓ દ્વારા હિંદુ સભાના મંદિર પર કરાયેલા હુમલાના થોડા દિવસ બાદ ઓસ્ટ્રેલિયા ખાતે જયશંકરે યોજેલી પત્રકાર પરિષદમાં વિદેશમંત્રીએ ત્રણ મુદ્દા પર ચર્ચા કરી હતી, જેમાં કેનેડાએ કોઈ પુરાવા વિના ભારત પર આરોપ લગાવ્યા હતા, ભારતીય રાજદૂતોની જાસૂસીનો અસ્વીકાર અને ત્રીજો મુદ્દો કેનેડામાં ભારત વિરોધી તત્ત્વોને રાજકીય આશ્રય આપવો.
આ મુદ્દાઓના પ્રસારણના થોડા કલાકો બાદ જ કેનેડાએ ઓસ્ટ્રેલિયાની ચેનલ પ્રતિબંધ લગાવ્યો હતો તેમ જયસવાલે જણાવ્યું હતું. આ ત્રણ બાબતના કારણે કેનેડાએ `ઓસ્ટ્રેલિયા ટુડે’ પર થયેલા પ્રસારણ, તેના મીડિયા હેન્ડલ અને પેજ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે, જે અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવાનો પ્રયાસ છે તેવું પણ જયસવાલે ઉમેર્યું હતું. બીજી તરફ કેનેડા સ્થિત રાજદ્વારી કેમ્પને ઓછામાં ઓછી સુરક્ષા દેવાનો કેનેડાએ ઈન્કાર કરતાં ભારતે આ તમામ કેમ્પ રદ કર્યા હતા. ટોરેન્ટો સ્થિત કાઉન્સીલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ ગુરુવારે કેમ્પ રદ કરવા બાબતે જાણકારી આપી હતી.

