શિયાળુ સત્રના સંસદના બંને ગૃહમાં ભારે હંગામો

Reena Brahmbhatt
4 Min Read

નવી દિલ્હી, તા.27 : સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થઇ ગયુ છે અને પહેલા દિવસથી જ વિપક્ષ અદાણીની ધરપકડના મુદ્દે સત્તાપક્ષને ઘેરી રહ્યુ છે. બંને ગૃહો લોકસભા અને વિધાનસભામાં અદાણીના મુદ્દે ભારે હંગામો થઇ રહ્યો છે. ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા અને અમેરિકા દ્વારા બિઝનેસમેન અદાણી સામે મૂકાયેલા ગંભીર આક્ષેપો બાદથી વિપક્ષ આક્રમક મૂડમાં છે જેને લીધે બુધવારે બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરાઇ હતી. અમેરિકા દ્વારા ગૌતમ અદાણી અને અન્યો સામે અરેસ્ટ વોરંટ ઇશ્યૂ થયાનું જણાવીને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં અદાણીની ધરપકડની માગ કરી હતી. મોદી સરકાર અદાણીને બચાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો આરોપ પણ તેમણે મૂકયો હતો. લોકસભામાં તેમણે મુદ્દો ઉઠાવતાં જ ભારે હંગામો થયો હતો. લોકસભામાં વિપક્ષના ભારે હંગામા વચ્ચે કાર્યવાહી ખોરવાઇ હતી.

જે પહેલા 12 વાગ્યા સુધી સ્થગિત કરાઇ હતી બાદમાં ફરી શરૂ કરાયેલા સત્રમાં હંગામો થતા કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરાઇ છે. રાજ્યસભામાં પણ આવતીકાલ સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સંસદ ભવનના પરિસરમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે શુ તમને લાગે છે કે અદાણી અમેરિકા દ્વારા લગાવાયેલા આરોપોને સ્વીકારશે ? તેઓએ અગાઉ જ તમામ આરોપો ફગાવી દીધા છે. મુદ્દો એ છે કે ગૌતમ અદાણી અને અન્યોની ધરપકડ થવી જ જોઇએ. એવા સેંકડો લોકો છે જે નાના મોટા આરોપોમાં જેલભેગા થઇ જતા હોય છે. અદાણીએ અમેરિકાવાસીઓના હજારો કરોડ રૂપિયાની હેરફેર કરી છે અને તેમણે જેલમાં હોવુ જોઇએ. કેન્દ્ર સરકાર તેમને બચાવી રહી છે.

- Advertisement -

વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ મિડિયાને સંબોધતા અદાણીનો બચાવ કરતાં જણાવ્યું હતું કે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા ઉપર અમેરિકા ફોરેન કરપ્ટ પ્રેકટિસ એકટના ઉલ્લંઘનનો આરોપ મૂકાયો નથી. જ્યારે અન્ય વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ જણાવ્યું હતું કે આરોપોમાં ફકત લાંચનું કાવતરું કર્યા હોવાનો ઉલ્લેખ છે. રોહતગીએ જણાવ્યું હતું કે આરોપમાં ઉલ્લેખ કરાયો છે કે અદાણીએ સોલાર પાવર કોન્ટ્રાકટ માટે ભારતીયોને લાંચ આપી હતી, પરંતુ કઇ રીતે લાંચ અપાઇ તેનો કોઇ ઉલ્લેખ નથી. રોહતગીની વાત અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે મોદાની ઇકોસિસ્ટમ નુકસાન નિયંત્રણનો પ્રયાસ કરી રહી છે.મોદાની ઇકોસિસ્ટમે આજે સવારે મોટી કાનૂની તોપો છોડી દિધી છે, જે હાસ્યાસ્પદ પ્રયાસ છે.

અમેરિકન એજન્સીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપ ગંભીર છે. રમેશે જણાવ્યું હતું કે ઇડી, સીબીઆઇ અને સેબીએ ભ્રષ્ટ રાજકીય-વ્યાપારી સાંઠગાંઠના સાધન બનવાને બદલે અદાણી જૂથના વ્યવહારની તપાસ કરવાની જરૂર છે. ઇતિહાસ આ ક્ષણને ન તો માફ કરશે કે ન ભૂલશે એમ વધુમાં રમેશે ઉમેર્યુ હતું. અદાણી જૂથ સામેના કથિત લાંચના આરોપો સહિત વિવિધ મુદ્દે વિપક્ષના હંગામાને પગલે સંસદના બંને ગૃહો દિવસભર માટે સ્થગિત કરાયા હતા. જ્યારે આજે સવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઇ ત્યારે અધ્યક્ષ જગદીપ ધનખડે અદાણી જૂથ સામે લાંચના આરોપો, મણિપુર હિંસા અને યુપીના સંભલમાં હિંસા પર વિપક્ષી સાંસદો દ્વારા નિયમ 267 હેઠળ આપવામાં આવેલી એડજોર્નમેન્ટ નોટિસ (સ્થગિત નોટિસ) ફગાવી દિધી હતી. રાજ્યસભાની બુધવારે સવારે 11.30 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના સભ્યોએ હંગામો મચાવ્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે કામકાજ કરવા દેવામાં આવે. ત્યારે વિપક્ષી સાંસદોએ પોઇન્ટ ઓફ ઓર્ડર રેઇઝ કરવાની વાત કહી. તેના ઉપર જગદીપ ધનખડે કહ્યું હતું કે જ્યારે ગૃહની કામગીરી બરાબર વ્યવસ્થિત રીતે ચાલે ત્યારે પોઇન્ટ ઓફ ઓર્ડરની વાત થાય. ત્યારબાદ અધ્યક્ષે ગૃહની કાર્યવાહી ગુરુવાર, 28મી નવેમ્બર સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી હતી.

- Advertisement -
Share This Article