IAF Airshow Chandigarh 2026: પાકિસ્તાન બોર્ડરથી ૨૬૦ કિલોમીટર દૂર ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ (SKAT) એ શનિવારે સુખના લેક ઉપર એક શાનદાર હવાઈ પ્રદર્શનથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. આ એરશોનો સતત બીજો દિવસ હતો. પંજાબના રાજ્યપાલ અને ચંડીગઢના પ્રશાસક ગુલાબ ચંદ કટારિયા, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, હરિયાણાના રાજ્યપાલ અસીમ કુમાર ઘોષ અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પોતપોતાની પત્નીઓ સાથે આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
અડધા કલાકના પ્રદર્શન દરમિયાન, હોક એમકે-૧૩૨ (Hawk MK-132) જેટ વિમાનોએ લૂપ, બેરલ રોલ, ઇનવર્ટેડ ફ્લાઈંગ અને સ્ટીપ ડાઇવ જેવા કરતબો દેખાડ્યા. ટીમે રંગીન ધુમાડાના નિશાનનો ઉપયોગ કરીને ‘DNA’ અને ‘Y’ (યુવા) જેવા ફોર્મેશન પણ બનાવ્યા. વિમાનોએ અહીંના વાયુસેના સ્ટેશન પરથી ઉડાન ભરી અને સીધા તળાવ ઉપરથી પસાર થયા, જેને જોવા માટે ભારે ભીડ ઉમટી હતી.
એરશોમાં ૧૦,૦૦૦ દર્શકોની ક્ષમતા નક્કી કરાઈ
SKAT વિશ્વની શ્રેષ્ઠ એરોબેટિક ટુકડીઓમાંથી એક છે અને તેણે વિવિધ આંતરરાષ્ટ્રીય એર શોમાં ભારતીય વાયુસેનાનું પ્રતિનિધિત્વ કર્યું છે. બે દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં દરરોજ ૧૦,૦૦૦ દર્શકોની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. સાત નિર્ધારિત સ્થળોએથી શટલ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પ્રવેશ માત્ર ચંડીગઢ ટૂરિઝમ એપ દ્વારા ૧૦૦ રૂપિયા પ્રતિ પાસની કિંમતે ખરીદેલા પાસ દ્વારા જ આપવામાં આવતો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મિગ-૨૧ ના ઓપરેશનલ ઉડાનના સમાપન સમારોહમાં ટીમના પ્રદર્શન પછી, છ મહિનામાં ચંડીગઢની આ ટીમની આ બીજી મુલાકાત છે.
હોક એમકે-૧૩૨ જેટ વિમાનોની ખાસિયતો:
હોક એમકે-૧૩૨ જેટ ફાઇટર પ્લેનની ટ્રેનિંગ આપતું ટ્રેનર જેટ છે.
ભારતીય વાયુસેનામાં તેને ૨૩ ફેબ્રુઆરી ૨૦૦૮ના રોજ સામેલ કરવામાં આવ્યું હતું.
બ્રિટિશ કંપની BAE સિસ્ટમ્સ તરફથી નવેમ્બર ૨૦૦૭ થી ૨૦૦૮ વચ્ચે ૨૪ ટ્રેનર જેટ ભારત આવ્યા હતા.
વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૧ વચ્ચે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ ૪૨ વધારાના એરક્રાફ્ટ દેશમાં જ એસેમ્બલ કર્યા હતા.

