India AI Impact Summit: માનવથી પણ સ્માર્ટ AI બનાવવાના દાવાઓ વચ્ચે ઇન્ફોસિસ સ્થાપક નારાયણમૂર્તિનો તદ્દન અલગ અભિપ્રાય

Arati Parmar
3 Min Read

India AI Impact Summit: ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬ દરમિયાન બુધવારે ભારત અને દુનિયાના મોટા ટેક લીડર્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર પોતાના વિચારો શેર કર્યા. જ્યાં ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ કહ્યું કે માનવ મગજની બરાબરી કોઈ મશીન કરી શકતું નથી, તો બીજી તરફ Google ના CEO સુંદર પિચાઈએ ભારતને AI ના ક્ષેત્રમાં ‘ગ્લોબલ લીડર’ બનવાની ક્ષમતા ધરાવતો દેશ ગણાવ્યો. આ દરમિયાન AI સમિટમાં બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક અને OpenAI ના વરિષ્ઠ અધિકારી ક્રિસ લેહેને જવાબદાર અને સુરક્ષિત AI વિકાસ પર ભાર મૂક્યો.

નારાયણ મૂર્તિ: ‘માનવ મગજ જ સર્વોચ્ચ છે’

દિલ્હી યુનિવર્સિટીના ‘લીડર્સ ટોક’ કાર્યક્રમમાં એન.આર. નારાયણ મૂર્તિએ સ્પષ્ટ કહ્યું કે AI ભલે ગમે તેટલું આગળ વધી જાય, તે મનુષ્યની ક્ષમતાઓની જગ્યા લઈ શકે નહીં. મૂર્તિએ કહ્યું કે માનવ મગજથી શ્રેષ્ઠ કંઈ પણ નથી. સાથે જ નારાયણ મૂર્તિએ AI ને જોખમ ગણવાને બદલે તેને એક વરદાન ગણાવ્યું. તેમણે યુવાનો માટે કૌશલ્ય વિકાસ અને શીખવાની ક્ષમતાને સૌથી મોટું રોકાણ ગણાવ્યું.

- Advertisement -

સુંદર પિચાઈ: ‘AI ભારતની અર્થવ્યવસ્થા અને જીવનધોરણ બદલી નાખશે’

ભારત મંડપમમાં આયોજિત ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં Google CEO સુંદર પિચાઈએ કહ્યું કે AI ભારત માટે ઐતિહાસિક તક લઈને આવ્યું છે. પિચાઈએ કહ્યું કે ભારત ડિજિટલ પેમેન્ટ અને ડેટા એક્સેસમાં દુનિયાનું મોડેલ બની ચૂક્યું છે. AI થી આરોગ્ય, કૃષિ અને શિક્ષણમાં મોટા ફેરફારો આવશે. પિચાઈના મતે ભારત AI ના ક્ષેત્રમાં દુનિયાનું નેતૃત્વ કરી શકે છે. ગૂગલ ડીપમાઇન્ડના CEO ડેમિસ હસાબિસ અને સંશોધન પ્રમુખ જેમ્સ મનયિકા પણ હાજર રહ્યા હતા.

ઋષિ સુનક: ‘AI દેશોની તસવીર બદલવાની તાકાત ધરાવે છે’

ITC મૌર્યમાં ઇન્ડિયા AI સમિટ દરમિયાન પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે AI ને વૈશ્વિક વિકાસનું સૌથી મોટું એન્જિન ગણાવ્યું. સુનકે AI ના જવાબદાર ઉપયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. ઋષિ સુનકે કહ્યું કે ભારત AI નું ‘સુપરપાવર’ બની શકે છે. સાથે જ ઋષિ સુનકે જણાવ્યું કે તેઓ પોતાના ઘરમાં પણ ઘણા કામોમાં AI નો ઉપયોગ કરે છે.

- Advertisement -

OpenAI ના ક્રિસ લેહેન: ‘AI બેકાબૂ નહીં થાય, સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા’

OpenAI ના ગ્લોબલ અફેર્સ ચીફ ક્રિસ લેહેને AI ને લઈને ફેલાતી આશંકાઓ પર વાત કરી. લેહેને કહ્યું કે ફિલ્મોની જેમ AI બેકાબૂ થવાનું જોખમ વાસ્તવિક જીવનમાં ઘણું ઓછું છે. કોઈ પણ મોડેલ જાહેર કરતા પહેલા તેની સુરક્ષા તપાસ અનેક સ્તરે કરવામાં આવે છે. સેમ ઓલ્ટમેનના જણાવ્યા અનુસાર, સમાજે પણ AI યુગ માટે તૈયાર થવું જોઈએ.

ભારતમાં ચાલી રહેલી AI સમિટ એ આજે એ સ્પષ્ટ કરી દીધું છે કે ટેકનોલોજીનું ભવિષ્ય માત્ર નવાચાર (innovation) નથી, પરંતુ માનવ કૌશલ્ય, સુરક્ષા અને વૈશ્વિક સહયોગના સંતુલન પર ટકેલું છે.

- Advertisement -
Share This Article