India China Visa Policy: ગલવાન સંઘર્ષના પાંચ વર્ષ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ચીન, હોંગકોંગ અને મકાઉના નાગરિકોને નિયમિત ટૂરિસ્ટ વિઝા જારી કરવા માટે સુધારેલી પ્રક્રિયા જાહેર કરી છે. ભારતમાં મુસાફરી કરવા માટે બૌદ્ધ તીર્થયાત્રીઓ અને ચીની રાજદૂતોના પરિવારના સભ્યો માટે વિઝાની શરતોમાં પણ છૂટછાટ આપવામાં આવી છે.
ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે ભારત સરકાર દ્વારા ઈ-વિઝાની સુવિધાઓના વિસ્તરણ પર હજુ નિર્ણય બાકી છે. પરંતુ હાલમાં ચીનના નાગરિકો હવે રેગ્યુલર ટૂરિસ્ટ વિઝા પર ભારતની યાત્રા કરી શકશે. સાથે જ બૌદ્ધ તીર્થયાત્રીઓ અને ચીની રાજદ્વારીઓના પરિવારના સભ્યોને પણ રાહત આપવામાં આવી રહી છે.
ગયા વર્ષે શરૂ થઈ હતી કૈલાશ માનસરોવર યાત્રા
ભારત દ્વારા આ પગલું ગયા વર્ષે, ભારત-ચીન વચ્ચે જાન્યુઆરી ૨૦૨૫ માં સીધી પેસેન્જર ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાના કરાર બાદ લેવામાં આવ્યું છે. આ સાથે પાંચ વર્ષથી બંધ રહેલી કૈલાશ માનસરોવર યાત્રાને પણ ગયા વર્ષે ૨૦૨૫ માં શરૂ કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે ભારતમાં પ્રવેશતા તમામ વિદેશી નાગરિકો પાસે માન્ય પાસપોર્ટ અથવા સંયુક્ત રાષ્ટ્રનું લેસેઝ-પાસર અને વિદેશમાં કોઈ ભારતીય દૂતાવાસ અથવા ઓફિસ દ્વારા જારી કરાયેલા વિઝા હોવા ફરજિયાત છે.
સેટેલાઈટ ફોનની એન્ટ્રી પર પ્રતિબંધ
ગૃહ મંત્રાલયની વર્તમાન માર્ગદર્શિકા મુજબ, પ્રવાસીઓના વિઝા પર ભારતમાં સેટેલાઈટ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે. જો આવા ઉપકરણો મળી આવશે તો તરત જ જપ્ત કરવામાં આવશે. સાથે જ ઉલ્લંઘન કરવા બદલ ભારતીય કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. સેટેલાઈટ ફોનનો આ પ્રતિબંધ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ગયા વર્ષે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં આતંકવાદીઓને શોધવા માટે તપાસ એજન્સીઓએ સેટેલાઈટ ફોન ડેટાનો સહારો લીધો હતો.
ચીની નાગરિકોની એન્ટ્રી માટેના નિયમિત વિઝામાં પ્રવાસી, વ્યાવસાયિક, રોજગાર અને વિદ્યાર્થી વિઝાનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કરવી પડશે અને વિઝા સુવિધા કેન્દ્ર પર જરૂરી દસ્તાવેજો અને ફી સાથે હાર્ડ કોપી પણ જમા કરાવવી પડશે.
નોંધનીય છે કે ૨૦૧૯ માં ભારતે ચીની નાગરિકો માટે પાંચ વર્ષના મલ્ટીપલ એન્ટ્રી ઈ-ટૂરિસ્ટ વિઝા અને ઓછી ફીવાળો ૩૦ દિવસનો સિંગલ એન્ટ્રી વિકલ્પ શરૂ કર્યો હતો.

