નવી દિલ્હી, તા. 14 : ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાબાદ કેનેડા સાથે ભારતના સંબંધમાં સર્જાયેલી તાણ પરાકાષ્ટાએ પહોંચી છે. કેનેડા સરકારે ભારતીય ઉચ્ચાયુક્ત સંજયકુમાર વર્મા અને કેટલાક રાજદ્વારીઓને એક મામલામાં સંદિગ્ધ લેખાવ્યા પછી ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે આ આરોપને `પાયા વિહોણા’ ગણાવતાં કહ્યું હતું કે, આ ટ્રુડો સરકારની વોટ બેન્કની રાજનીતિ છે.
કેનેડાને ફટકાર લગાવ્યા બાદ આજે જ સાંજે મોડેથી ભારતે પોતાના ઉચ્ચાયુક્ત સંજયકુમારને પાછા બોલાવી કેનેડાના છ રાજદ્વારીને હાંકી કાઢતાં કેનેડા સાથે રાજદ્વારી સંબંધ તોડી નાખ્યા હતા. ભારતનાં પગલાં બાદ કેનેડાએ પણ ભારતના છ રાજદ્વારીને દેશ છોડી જવાનું કહેતાં બંને દેશ વચ્ચે તણાવમાં વધારો થયો છે. વિદેશ મંત્રાલયે મોડેથી બીજીવાર નિવેદન જારી કરીને કહ્યું હતું કે, હિંસાના માહોલમાં ટ્રુડો સરકારનાં વલણને ધ્યાને લેતાં અમારા રાજદ્વારીઓને સુરક્ષા આપી શકશે તેવો ભરોસો કેનેડા સરકાર પર રહ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, પોલીસને જે વ્યક્તિ ઉપર અપરાધમાં સંડોવાયેલો હોવાની આશંકા હોય તેને પર્સન ઓફ ઈન્ટરેસ્ટ કહેવામાં આવે છે. જો કે તેની ધરપકડ કરવામાં આવી હોતી નથી. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિસ ટ્રુડો દ્વારા જૂન 2023માં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાડવામાં આવ્યા બાદથી ભારત અને કેનેડાનાં સંબંધો વણસી ગયા છે. હવે ભારતના રાજદ્વારી ઉપર આરોપ મૂકવામાં આવ્યા બાદ ભારતે આ હરકતને વાહિયાત અને પ્રેરિત ગણાવી દીધી છે. ભારતના વિદેશ મંત્રાલયના કહેવા અનુસાર ભારત સરકાર આવા નકામા આરોપોને સ્પષ્ટ રીતે નકારે છે. આવા આરોપો પાછળ ટ્રુડો સરકારના રાજકીય એજન્ડા અને મતબેન્કનાં હિતો મુખ્ય કારણ હોઈ શકે છે.
ટ્રુડો સરકારે જાણવા છતાં કેનેડામાં ભારતના રાજદ્વારી અને સમુદાયના નેતાઓને ધમકાવવા અને ડરાવનારા હિંસક કટ્ટરવાદીઓ અને આતંકીઓને સ્થાન આપેલું છે. આમાં ભારતીય રાજદ્વારીઓથી લઈને નેતાઓને મોતની ધમકી આપનારાઓ પણ સામેલ છે. આવી તમામ ગતિવિધિઓને અભિવ્યક્તિની આઝાદીનાં નામે કેનેડાની સરકાર ઉચિત ઠરાવતી રહે છે. કેટલાક તત્ત્વો ગેરકાનૂની રાહે કેનેડામાં ઘૂસ્યા હોવા છતાં તેને તાત્કાલિક નાગરિકતા પણ આપી દેવામાં આવી છે. ભારત સરકારે આતંકીઓ અને ગુનેગાર આગેવાનોનાં પ્રત્યાર્પણ માટે કરેલી માગણીઓ પણ નકારી કાઢવામાં આવેલી છે. ટ્રુડોનો ભારત વિરોધ અગાઉ સાબિત થઈ ચૂકેલો છે.

