SC Highway Safety Directives: સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર વધતા અકસ્માતો, ગેરકાયદે અતિક્રમણ, ગેરકાયદે પાર્કિંગ અને પાયાની સુરક્ષા સુવિધાઓના અભાવ પર કડક વલણ અપનાવતા અનેક મહત્વના વચગાળાના નિર્દેશો જારી કર્યા છે. અદાલતે કહ્યું કે મુસાફરોની સુરક્ષા બંધારણની કલમ ૨૧ હેઠળ ગરિમા સાથે જીવવાના અધિકારનો અભિન્ન હિસ્સો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે હાઈ-સ્પીડ એક્સપ્રેસવે વહીવટી બેદરકારી અને માળખાગત ખામીઓને કારણે જોખમના કોરિડોર ન બની શકે.
સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ધોરીમાર્ગોના ‘રાઇટ ઓફ વે’ માં આવતા તમામ અનધિકૃત અતિક્રમણ, જેમ કે ઢાબા, ભોજનાલયો અને અન્ય વ્યાવસાયિક માળખાઓ હટાવવાનો આદેશ આપ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટોને ૬૦ દિવસની અંદર આવા તમામ ગેરકાયદે બાંધકામો હટાવવા માટે કહેવામાં આવ્યું છે.
ભવિષ્યમાં જારી કરવામાં નહીં આવે NOC
સાથે જ, ભવિષ્યમાં NHAI અથવા જાહેર બાંધકામ વિભાગની મંજૂરી વિના કોઈ લાયસન્સ, ટ્રેડ અપ્રૂવલ કે NOC જારી કરવામાં આવશે નહીં. વર્તમાન લાયસન્સોની ૩૦ દિવસમાં સમીક્ષા થશે. આ મામલો રાજસ્થાનના ફલોદી અને તેલંગાણાના રંગારેડ્ડીમાં નવેમ્બર ૨૦૨૩માં થયેલા અકસ્માતો પછી સામે આવ્યો, જેમાં ૩૪ લોકોના મોત થયા હતા. અદાલતે કહ્યું કે જીવનનો અધિકાર સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવાની જવાબદારી પણ રાજ્ય પર નાખે છે.
૪૫ દિવસમાં બ્લેકસ્પોટ યાદી જારી થશે
૩૦ દિવસમાં સમીક્ષા થશે વર્તમાન લાયસન્સોની
૧૪૨ અનુચ્છેદ હેઠળ આ આદેશ પસાર કર્યો ૧૩ એપ્રિલના રોજ
એમ્બ્યુલન્સ, ક્રેન અને આધુનિક સિસ્ટમ
NHAI ને ૬૦ દિવસની અંદર દર ૭૫ કિમી પર એમ્બ્યુલન્સ અને રિકવરી ક્રેન તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વે-સાઇડ સુવિધાઓમાં વિશ્રામ, ભોજન, શૌચાલય, સુરક્ષિત પાર્કિંગ અને સંકેતો અનિવાર્ય હશે. તમામ ૪ અને ૬ લેન હાઇવે પર એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
બ્લેકસ્પોટની ઓળખ જરૂરી
નિર્દેશ આપવામાં આવ્યા છે કે NHAI અને સડક પરિવહન મંત્રાલયે ૪૫ દિવસમાં અકસ્માત સંભવિત બ્લેકસ્પોટની યાદી જારી કરવી પડશે. અહીં લાઇટિંગ, કેમેરા અને ચેતવણી સંકેતો લગાવવામાં આવશે. કેન્દ્રને આંતરરાજ્ય સમન્વય સમિતિ પર રિપોર્ટ આપવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

