Shaksgam Valley Dispute: ભારત-ચીન સરહદ વિવાદ: શું છે શક્સગામ ખીણનું રહસ્ય? પાકિસ્તાને ભેટમાં આપેલી ભારતની જમીન પર ચીને કેમ વધારી હલચલ, જાણો ૫ મોટા કારણો

Arati Parmar
3 Min Read

Shaksgam Valley Dispute: ભારત અને ચીન વચ્ચે શક્સગામ ખીણ (Shaksgam Valley) નો વિવાદ ફરી એકવાર વકર્યો છે. આ ખીણ ભારતનો સાર્વભૌમ હિસ્સો છે, જેના પર ચીને ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. તાજેતરમાં શક્સગામ ખીણમાં ચીનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ટીકા કરતા ભારતે સ્પષ્ટ કર્યું હતું કે તે આ વિસ્તારમાં પોતાના હિતોની રક્ષા માટે જરૂરી પગલાં લેશે. તેના જવાબમાં ચીને આ વિસ્તારને પોતાનો ગણાવીને તેને “યોગ્ય” ઠેરવ્યો છે.

ચાલો ૫ પ્રશ્નો અને ઉત્તરો દ્વારા સમજીએ શક્સગામ ખીણનો આખો વિવાદ:

- Advertisement -

૧. શક્સગામ ખીણ ક્યાં આવેલી છે?

શક્સગામ ખીણ, જેને ‘ટ્રાન્સ-કારાકોરમ ટ્રેક્ટ’ પણ કહેવામાં આવે છે, તે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના ઉત્તર ભાગમાં આવેલી છે. ભૌગોલિક રીતે તે સિયાચીન ગ્લેશિયરની બરાબર ઉત્તરે સ્થિત છે.

- Advertisement -

૨. શક્સગામ ખીણનો મુખ્ય વિવાદ શું છે?

૧૯૪૭માં ભાગલા પહેલા શક્સગામ ખીણ જમ્મુ-કાશ્મીર રિયાસતનો ભાગ હતી. ૧૯૪૮માં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના જે ભાગ પર ગેરકાયદે કબજો કર્યો (PoK), તેમાં આ ખીણ પણ સામેલ હતી. ત્યારબાદ ૧૯૬૩માં પાકિસ્તાને ચીન સાથે સીમા સમજૂતી કરીને શક્સગામ ખીણ ચીનને સોંપી દીધી. ભારતે આ સમજૂતીને ક્યારેય માન્યતા આપી નથી કારણ કે પાકિસ્તાન પાસે ભારતની જમીન કોઈ બીજા દેશને આપવાનો કોઈ કાનૂની અધિકાર નથી.

- Advertisement -

૩. પાકિસ્તાને આ ખીણ ચીનને કેમ આપી?

૧૯૬૩માં પાકિસ્તાને આ વિસ્તાર ચીનને સોંપ્યો જેથી બંને દેશો વચ્ચે એક સહિયારી સરહદ બની શકે, જે પહેલાં અસ્તિત્વમાં નહોતી. આ સમજૂતીમાં એક શરત એવી પણ છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દો ઉકેલાઈ જશે, ત્યારે જે તે સાર્વભૌમ સત્તા (ભારત) ચીન સાથે સરહદ અંગે ફરીથી વાતચીત કરશે. ભારતનું સ્ટેન્ડ ક્લિયર છે કે કાશ્મીર પર કોઈ વિવાદ નથી, વિવાદ માત્ર પાકિસ્તાને પચાવી પાડેલા વિસ્તારો પર છે.

૪. ભારત અને ચીન અત્યારે શું દાવો કરી રહ્યા છે?

ભારતનું સ્ટેન્ડ: ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અવિભાજ્ય હિસ્સો છે. ભારત ‘ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર’ (CPEC) ને પણ માન્યતા આપતું નથી કારણ કે તે ભારતીય ક્ષેત્રમાંથી પસાર થાય છે.

ચીનનું સ્ટેન્ડ: ચીની વિદેશ મંત્રાલયે પહેલીવાર આટલી સ્પષ્ટતા સાથે કહ્યું છે કે આ વિસ્તાર ચીનનો છે અને ત્યાં બાંધકામ કરવું તેમની પોતાની બાબત છે. તેઓ ૧૯૬૩ની સમજૂતીને પોતાનો આધાર બનાવે છે.

૫. ચીન શા માટે શક્સગામ ખીણ પર કબજો રાખવા માંગે છે?

આ વિસ્તારનું વ્યૂહાત્મક મહત્વ (Strategic Importance) ઘણું વધારે છે. સિયાચીન ગ્લેશિયરની ઉત્તરે હોવાને કારણે જો ચીન અહીં પાકા રસ્તાઓ અને સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી લે, તો ભારતીય સેના માટે ઉત્તર (ચીન) અને પશ્ચિમ (પાકિસ્તાન) એમ બંને મોરચે એકસાથે પડકાર ઊભો થઈ શકે છે.

Share This Article