નવી દિલ્હી, તા. 5 : ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે રવિવારે જસ્ટિન ટ્રુડોનાં નેતૃત્વવાળી કેનેડા સરકારની ટીકા કરતાં જણાવ્યું હતું કે, અત્યારે કેનેડા ભારત માટે મોટી સમસ્યા છે. જયશંકરે કહ્યું છે કે, ભારત પર અલગ-અલગ આરોપો લગાવવા એ કેનેડાની રાજકીય મજબૂરી છે. આવતાં વર્ષે ત્યાં ચૂંટણી થવાની છે, તેથી દેશમાં વોટબેંકની રાજનીતિ ચાલી રહી છે. આને ભારત સાથે કોઈ લેવાદેવા નથી.
ભુવનેશ્વરમાં એક કાર્યક્રમ દરમ્યાન પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં વિદેશ મંત્રીએ આ વાત કહી. જયશંકરે કહ્યું કે, અમે રાહ જોઈ રહ્યા છીએ કે, જે ત્રણ ભારતીય જેમની ધરપકડ થઈ છે કેનેડા તેમના વિશે અમને માહિતી આપે. અમને માત્ર એટલું જાણવા મળ્યું છે કે, તે ત્રણેય કોઈ ગેંગ સાથે સંબંધ રાખે છે. આ કેનેડાનો આંતરિક મામલો છે અને આ અંગે હું વધારે કશું જ કહી શકતો નથી. વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારત વિરુદ્ધ કામ કરતા લોકોને કેનેડામાં આશ્રય આપવામાં આવે છે. ખાસ કરીને જેઓ પંજાબના છે, તેઓ કેનેડાથી કામ કરે છે. ખાલિસ્તાન તરફી લોકો કેનેડાની લોકશાહીનો દુરુપયોગ કરી રહ્યા છે.

