Political horse trading: ભારતની ઘણી રાજકીય પાર્ટીઓ આજકાલ આંતરિક કલહ સાથે ઝઝૂમી રહી છે. પહેલા પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ઘણા સાંસદ-ધારાસભ્યોએ પાર્ટી મુખિયા મમતા બેનર્જી વિરુદ્ધ બગાવતનું બ્યુગલ ફૂંકીને ટીએમસી સિમ્બોલ પર દાવો કર્યો. ત્યારબાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ઓપરેશન ટાઈગર’ ખૂબ ચર્ચામાં ચાલી રહ્યું છે. એવા અહેવાલો ચાલી રહ્યા છે કે શિવસેના (UBT) ના છ સાંસદ શિંદે જૂથમાં સામેલ થઈ શકે છે. આ અહેવાલોને લઈને ઈન્ડિયા બ્લોકના નેતાઓએ બીજેપી પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા અને લેખક સંજય ઝાએ શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિડિયો પોસ્ટ કર્યો. જેમાં તેમણે કહ્યું, બીજેપીએ સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે ‘સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા’ શરૂ કરવું જોઈએ. તેમણે કહ્યું, જેમાં ‘ધારાસભ્યો અને સાંસદોની ખરીદ-વેચાણને સત્તાવાર રીતે મંજૂરી હોય. સ્પોટ કે ફોરવર્ડ સેલની પરવાનગી હોય.’
‘કેશમાં થાય તમામ લેવડ-દેવડ’
તેમણે પોસ્ટમાં લખ્યું, આ ધારાસભ્યો-સાંસદોની ખરીદ-વેચાણની તમામ લેવડ-દેવડ રોકડમાં થાય. તેમણે લખ્યું- ભારતીય રાજકીય બજારમાં બુલ્સ, બેયર્સ અને ગધેડાઓનું સ્વાગત છે.’
લેખક સંજય ઝાની પોસ્ટને શેર કરતા કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું, આ એક્સચેન્જના સીઈઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય.
With the Union Home Minister as CEO https://t.co/D66MBv3ngw
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 19, 2026
શું છે મામલો?
બીજી તરફ શિવસેના (UBT) માં ફૂટની અટકળો પર કોંગ્રેસ સાંસદ મનોજ કુમારે કહ્યું કે આ ‘ઓપરેશન ટાઈગર’ કે ‘ઓપરેશન લોટસ’ જેવી વાતો ક્યાંથી આવે છે? આવું કંઈ થવાનું નથી. જે લોકો પાર્ટીની વિચારધારા પ્રત્યે સમર્પિત છે, તેઓ ક્યારેય અલગ નહીં થાય. પાર્ટી છોડીને જનારાઓની ચિંતા કરવાનો શું મતલબ છે? તેમણે ટીએમસી સાંસદોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે સાંસદો વિશે શું કહેવું, જે ગૃહમાં અમારી સાથે હતા, પરંતુ જુઓ તેઓ હવે શું કરી રહ્યા છે.
જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ‘ઓપરેશન ટાઈગર’ ને લઈને જારી ચર્ચાઓ વચ્ચે રાજ્ય સરકારના મંત્રી સંજય શિરસાટે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (UBT) ના છ સાંસદોએ અલગ જૂથ બનાવી લીધું છે અને આ સંબંધમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લેખિતમાં સૂચિત પણ કરી દીધું છે.
પત્રકારો સાથે વાતચીતમાં સંજય શિરસાટે કહ્યું કે અલગ જૂથ બનાવવાની પ્રક્રિયા ઘણી આગળ વધી ચૂકી છે. તેમણે જણાવ્યું કે તમામ ઔપચારિકતાઓ પૂરી થયા બાદ સંબંધિત સાંસદ પોતે નક્કી કરશે કે તેમને આગળ કયા રાજકીય દળ સાથે જવું છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રીએ કહ્યું, ‘સાંસદોએ અલગ જૂથ બનાવીને લોકસભા અધ્યક્ષને આની જાણકારી આપી દીધી છે. પ્રક્રિયા પૂરી થયા બાદ તેઓ નક્કી કરશે કે કઈ પાર્ટીમાં સામેલ થવું છે. જો તેઓ એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં આવવા માંગે છે, તો આના પર અંતિમ નિર્ણય ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે લેશે. તેમનો જે પણ નિર્ણય હશે, અમે બધા તેને સ્વીકારીશું.’

