Mumbai happiest cities 2025: ભારતમાં દિવાળીના તહેવારોની ધામધૂમથી ઊજવણી થઈ રહી છે તેવા સમયે એક સારા સમાચાર આવ્યા છે. દુનિયામાં સૌથી ખુશહાલ ટોચના પાંચ શહેરોમાં મુંબઈને સ્થાન મળ્યું છે. આ સાથે તેની અવિરત ગતિ, વાયબ્રન્ટ સંસ્કૃતિ, નાઈટલાઈફ અને સમુદાયની ઊંડી ભાવના માટે જાણિતું મુંબઈ ટાઈમ આઉટ ઈન્ડેક્સ ૨૦૨૫માં ૯૫થી વધુના હેપ્પીનેસ રેટિંગ સાથે ભારતનું સૌથી ખુશહાલ શહેર જાહેર થયું છે. રસપ્રદ રીતે આ હેપ્પીનેસ ઈન્ડેક્સમાં વિશ્વમાં ટોચના પાંચ ખુશહાલ શહેરોમાં યુરોપનો કોઈ શહેરનો સમાવેશ થયો નથી. યુએઈનું અબુધાબી દુનિયાનું નંબર-૧ ખુશહાલ શહેર તરીકે સ્થાન પામ્યું છે.
દુનિયામાં સૌથી ખુશહાલ શહેરોની વાત આવે ત્યારે અત્યાર સુધી યુરોપના દેશો ડેન્માર્ક, આઈલેન્ડ અથવા ફિનલેન્ડના શહેરો સ્થાન પામતા હતા. જોકે, નવા વૈશ્વિક સરવેમાં વિશ્વના હેપ્પીનેસ રેન્કિંગના ટોચના શહેરોમાં આશ્ચર્યજનક નામ સામે આવ્યા છે. ટાઈમ આઉટ ૨૦૨૫ના હેપ્પીનેસ સિટી ઈન્ડેક્સમાં યુનાઈટેડ આરબ અમિરાતની રાજધાની અબુધાબી દુનિયાના સૌથી ખુશહાલ શહેરમાં ટોચના ક્રમે આવ્યું છે.
અબુધાબીની કુલ વસતી ૨૦ લાખથી વધુ છે. યુએઈમાં તે દુબઈ પછી સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે. અબુધાબી યુએઈને બનાવતા સાત અમિરાત્સનું સૌથી મોટું અને સૌથી સમૃદ્ધ શહેર છે. વધુમાં સ્ટેટિસ્ટિકલ એનાલિસીસ વેબસાઈટ નુમ્બેઓના આંકડા મુજબ અબુધાબી વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર છે.
શહેરોમાં જીવનની ગુણવત્તા, સુરક્ષા, સંસ્કૃતિ, નાઈટલાઈફ, અફોર્ડેબિલિટી, વોકેબિલિટી, ફૂડ અને ખુશી જેવા માપદંડોના આધારે ટોચના શહેરોની પસંદગી કરાઈ છે. આ સરવેમાં ૧૮,૦૦૦થી વધુ લોકોએ પ્રતિભાવો આપ્યા હતા.
આ વર્ષે ટોચના પાંચ શહેરોમાં અબુધાબી પછી બીજા ક્રમે કોલંબિયાનું મેડેલિન, ત્રીજા ક્રમે દક્ષિણ આફ્રિકાનું કેપટાઉન અને ચોથા ક્રમે મેક્સિકોનું મેક્સિકો સિટી અને ભારતનું મુંબઈ પાંચમા ક્રમે છે. આ બધા જ શહેરોની પસંદગી તેમની સામાજિક સંવાદિતા, સર્જનાત્મક્તા અને ગ્રીન અર્બન જગ્યાના આધારે કરાઈ છે. આ યાદીમાં ટોચના ૨૦ શહેરોમાં ભારતના બીજા કોઈ શહેરનો સમાવેશ થયો નથી. જોકે, ખુશહાલ શહેરોના આ વૈશ્વિક ઈન્ડેક્સમાં ટોચના ૧૦ શહેરોમાં ચીન સિવાય અન્ય દેશોના માત્ર એક-એક શહેરનો સમાવેશ થયો છે. આ યાદીમાં ચીનના બેઈજિંગ અને શાંઘાઈએ અનુક્રમે છઠ્ઠા અને સાતમા ક્રમે સ્થાન મેળવ્યું છે. વધુમાં રસપ્રદ રીતે આ રેન્કિંગમાં ટોચના ૧૦ શહેરોમાં યુરોપના એકમાત્ર સ્પેનના સેવિલે શહેરને સ્થાન મળ્યું છે.
દુનિયાના ટોચના 20 ખુશહાલ શહેરો
અબુધાબી, યુએઈ |
મેડેલિન, કોલંબિયા |
કેપટાઉન, દક્ષિણ આફ્રિકા |
મેક્સિકો સિટી, મેક્સિકો |
મુંબઈ, ભારત |
બેઈજિંગ, ચીન |
શાંઘાઈ, ચીન |
શિકાગો, અમેરિકા |
સેવિલે, સ્પેન |
મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા |
બ્રિંગ્ટન, ઈંગ્લેન્ડ |
પોર્ટો, પોર્ટુગલ |
સિડની, ઓસ્ટ્રેલિયા |
ચિઆંગ માઈ, થાઈલેન્ડ |
માર્રાકેશ, મોરોક્કો |
દુબઈ, યુએઈ |
હનોઈ, વિયેતનામ |
જાકાર્તા, ઈન્ડોનેશિયા |
વેલેન્સિઆ, સ્પેન |
ગ્લાસગોવ, ઈંગ્લેન્ડ |