નોકરી ન હોય તો પણ 12 માસ પછી જ PF ઉપાડનો નિયમ
પ્રોવિડન્ટ ફંડના ખાતામાંથી રકમનો ઉપાડ કરવા દેવાના નવા નિયમો સરળ હોવાનો દાવો સરકાર તરફથી કરવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવમાં આ જ નિયમો નોકરિયાતોની જફામાં વધારો કરે તેવા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. નોકરી ગુમાવી દેનાર કર્મચારીએ પ્રોવિડન્ટ ફંડના નાણામાંથી પારિવારિક જરૂરિયાત માટે નાણાનો ઉપાડ કરવા માટે હવે બાર મહિના સુધી રાહ જોવી પડશે. પહેલા નોકરી ગયા પછી બે મહિના બાદ નાણાનો ઉપાડ કરી શકાતો હતો. તેમ જ ત્રણ વર્ષ સુધી બેરોજગાર રહે તે પછી જ પેન્શન ફંડનો ઉપાડ કરવા દેવાની શરત મૂકવામાં આવી હોવાથી પણ નોકરિયાતો નારાજ થઈ રહ્યા છે.
આ નીતિને નોકરિયાત વિરોધી નીતિ: પ્રોવિડન્ટ ફંડના નિષ્ણાતો
તદુપરાંત પ્રોવિડન્ટ ફંડના ખાતામાં 25% રકમ કાયમને માટે જમા રાખવાનો નિયમ પણ નોકરિયાતોને ખટકી રહ્યો છે. નિવૃત્તિ સુધીમાં જમા થનારા કુલ ફંડના 25% રકમ નિવૃત્તિ કાળ સુધી તેમના ખાતામાં જમા પડેલી જ રહેવી જોઈએ. આમ નોકરિયાતોના પોતાના પૈસા પર નોકરિયાતોનો પોતાનો સંપૂર્ણ અંકુશ ન રહે તેવી સ્થિતિ નિર્માણ કરી છે. સરકારે નિયમો સરળ કરવાને નામે કરેલી નવી જોગવાઈને પરિણામે ભારે જરૂરિયાત હોય ત્યારે પણ નોકરિયાતો અને તેમના પરિવારની નાણાકીય સલામતી જળવાતી નથી.
પ્રોવિડન્ટ ફંડના નિષ્ણાતો આ નીતિને નોકરિયાત વિરોધી નીતિ તરીકે ઓળખાવી રહ્યા છે. નવા નિયમોને કારણે પ્રોવિડન્ટ ફંડની સુવિધા ધરાવતા લાખો પરિવારોની હાલત ખરાબ થશે. તેમાંય જેઓ નોકરી જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેમની હાલત વધુ ખરાબ થશે.
નવા નિયમોના કારણે નોકરીયાતો નારાજ
જોકે અનિવાર્ય સંજોગોમાં નોકરિયાતોને પ્રોવિડન્ટ ફંડમાંથી લગ્નના ખર્ચ માટે 5 વાર અને શિક્ષણના ખર્ચ માટે 10 વાર ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે. કુદરતી આપત્તિના કાળમાં પણ નાણાનો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે. મોટા રોગચાળાના ગાળામાં પણ ઉપાડ કરવાની છૂટ આપવામાં આવેલી છે. તદુપરાંત સતત બેરોજગારીના કાળમાં પણ પ્રોવિડન્ટ ફંડમાંથી નાણાનો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવેલી છે. અલબત્ત નોકરી ગુમાવી દે તે પછી 12 માસ સુધી પૈસાનો ઉપાડ ન કરવા દેવાનો નિયમ નોકરિયાતોને સૌથી વધુ ખટકી રહ્યો છે. નવા નિયમો સારા હોવાની આરંભિક ઈમેજ બદલાઈ રહી છે અને નોકરિયાતોની નારાજગી વધી રહી છે.