Stone Pelting Ahmedabad Darbhanga Festival Special: દિવાળીના સમયે કાનપુરમાં ટ્રેન પર પથ્થરમારો, RPF એ 6 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Stone Pelting Ahmedabad Darbhanga Festival Special: દિવાળીના તહેવારમાં ટ્રેનમાં ભારે ભીડ ઉમટી છે, ત્યારે અમદાવાદથી દરભંગા જતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન પર યુપીના કાનપુરમાં પથ્થરમારો કરાયો હોવાની ઘટના સામે આવી છે. કાનપુરના ભીમસેન સ્ટેશન પર ટ્રેન ઊભી રહી ત્યારે અચાનક કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને મુસાફરોમાં ભારે ભય જોવા મળ્યો હતો. પથ્થરમારાની ઘટનામાં ટ્રેનના એન્જિનના કાચ તૂટી જતાં ટ્રેન ચાલકને એન્જિનની બારી બંધ કરવી પડી હતી.

અમદાવાદથી બિહાર જતી ટ્રેન પર પથ્થરમારો

- Advertisement -

મળતી માહિતી મુજબ, અમદાવાદથી બિહાર જતી આ સ્પેશિયલ ટ્રેન દર વર્ષે દિવાળી અને છઠ મહાપર્વ પર દોડાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કેટલાક લોકોએ ટ્રેન પર પથ્થમારો કરતાં મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટના મામલે ટ્રેનના ડ્રાઈવરે તરતજ કન્ટ્રોલ રૂમમાં ઘટના અંગે જાણકારી આપીને ટ્રેનને રોકી રાખી હતી.

RPFની ટીમ ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતાં તાત્કાલિક રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. જેમાં ભીમસેન સ્ટેશન માસ્ટરની લેખિત ફરિયાદના આધારે RPFના અધિકારીએ અજાણ્યા શખસો વિરૂદ્ધમાં કેસ દાખલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ‘જ્યારે ટ્રેન આઉટર સિગ્નલ પર ઊભી હતી, ત્યારે કેટલાક યુવકોએ બહારથી પથ્થરો ફેંક્યા હતા.’

6થી વધુ અજાણ્યા શખસ વિરૂદ્ધ ફરિયાદ

RPF સ્ટેશન આસપાસના વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે અને પથ્થરમારો કરનારાને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે રેલવે પોલીસે 6થી વધુ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

રેલવે તંત્રએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારવા નિર્દેશ કર્યો છે. તહેવારના સમયે ટ્રેનમાં જોવા મળતી ભીડના કારણે આ પ્રકારની ઘટનાની આશંકા રહે છે. એટલાં માટે રેલવે અધિકારીએ મુસાફરોને અપીલ કરી છે કે, લોકો ધીરજ જાળવી રાખે અને આ પ્રકારની શંકાસ્પદ ઘટનાને લઈને તાત્કાલિક રેલવે હેલ્પલાઈન અથવા સ્ટેશન માસ્ટરને જાણકારી આપે.

Share This Article