Bihar Congress ticket row: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીના વિવાદ વચ્ચે હવે કોંગ્રેસની અંદર પણ ટિકિટ વહેંચણીને લઈને તણાવ ખુલીને બહાર આવી રહ્યો છે. પક્ષના ઘણા વરિષ્ઠ નેતાઓએ જાહેરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી ક્રિષ્ના અલ્લવરુ અને પ્રદેશ અધ્યક્ષ રાજેશ રામ પર ‘પૈસાના બદલે ટિકિટ’ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના રિસર્ચ સેલના અધ્યક્ષ અને પ્રવક્તા રહી ચૂકેલા આનંદ માધવને તો ત્યાં સુધી કહ્યું કે, બિહારની ચૂંટણીમાં કોંગ્રેસ ડબલ ડિજિટ (10 બેઠકો) સુધી પણ નહીં પહોંચી શકે.
નારાજ નેતાઓએ આપ્યું રાજીનામું: હાર માટે પાર્ટી જવાબદાર
ટિકિટથી વંચિત રહેલા નેતાઓએ એક પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, કોંગ્રેસમાં જે કંઈ થઈ રહ્યું છે, તેનું પરિણામ પાર્ટીએ જ ભોગવવું પડશે. કોંગ્રેસના પ્રવક્તા આનંદ માધવને તેમના રિસર્ચ સેલના પદ પરથી તાત્કાલિક રાજીનામું આપી દીધું. તેમની સાથે પૂર્વ ધારાસભ્ય ગજાનંદ શાહી, છત્રપતિ યાદવ, નાગેન્દ્ર પ્રસાદ, રંજન સિંહ, બચ્ચુ પ્રસાદ, રાજકુમાર રાજન અને બંટી ચૌધરી સહિત અન્ય નેતાઓ પણ હાજર હતા.
નોંધનીય છે કે, ખગડિયાના વર્તમાન ધારાસભ્ય છત્રપતિ યાદવને આ વખતે ટિકિટ આપવામાં નથી આવી. તેની બદલે એઆઇસીસી સચિવ ચંદન યાદવ ચૂંટણી લડશે, જે 2020માં જેડીયુના ઉમેદવાર સામે હારી ગયા હતા. નારાજ નેતાઓએ આક્ષેપ કર્યો કે રાજેશ રામ, કૃષ્ણ અલ્લવરુ અને શકીલ અહેમદ ખાન મળીને દલાલી કરી રહ્યા છે અને રાહુલ ગાંધી તેમજ પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે.
મહાગઠબંધનમાં પણ સંકટ
કોંગ્રેસના આ આંતરિક સંઘર્ષ ઉપરાંત, મહાગઠબંધન (RJD, કોંગ્રેસ, વામપંથી દળો, VIP)માં પણ બેઠક વહેંચણીનો મામલો જટિલ બન્યો છે. પ્રથમ તબક્કાના મતદાન માટની ઉમેદવારી પૂરી થઈ ગઈ હોવા છતાં, ગઠબંધનની અંતિમ ફોર્મ્યુલા જાહેર નથી કરાઈ. પરિણામે, ઘણા ઘટક દળોએ સ્વતંત્ર રીતે ઉમેદવારી ફોર્મ ભર્યા છે, જેનાથી અનેક બેઠકો પર ‘ફ્રેન્ડલી ફાઇટ’ (એકબીજા સામે જ ચૂંટણી લડવાની)ની સ્થિતિ સર્જાઈ છે. આનાથી વિપક્ષના વોટ વહેંચાઈ જવાનો ભય છે, જે ભાજપની આગેવાનીવાળા એનડીએને ફાયદો કરાવી શકે છે.
JMMએ મહાગઠબંધનમાંથી છેડો ફાડ્યો
વધુમાં, ઝારખંડ મુક્તિ મોરચા (JMM) એ પણ મહાગઠબંધનથી અલગ થઈને બિહારમાં સ્વતંત્ર રીતે 6 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. JMMના પ્રવક્તા સુપ્રિયો ભટ્ટાચાર્યએ RJD નેતૃત્વ પર સીટ વહેંચણીમાં વારંવાર ઉપેક્ષા કરવાનો અને તેમના આત્મસન્માન સાથે સમાધાન ન કરવાનો આક્ષેપ કર્યો છે.
મુખ્યમંત્રીના ચહેરા પર અસંમતિ
મુખ્યમંત્રી પદના ઉમેદવાર પર પણ સર્વસંમતિ ન થવાને કારણે ગઠબંધનની સ્થિતિ વધુ જટિલ બની છે. જોકે, મહાગઠબંધનના નેતાઓને વિશ્વાસ છે કે, ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ સુધીમાં આ મામલે કોઈ નિર્ણય લેવાઈ જશે અને સમાધાન થઈ જશે.