નવી દિલ્હી, તા. 13 : સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં વિપક્ષ ઇન્ડિયા મોરચાએ એનડીએને ઝાટકો આપી દસ બેઠક પર જીત મેળવીને લોકસભાની ચૂંટણીમાં કરેલું સારું પ્રદર્શન યથાવત્ રાખ્યું છે. ગયા મહિને લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજીવાર જીત મેળવનારા એનડીએને વિધાનસભાની 13 બેઠકની આ પેટાચૂંટણીમાં માત્ર બે બેઠક જ મળી છે.
એક બેઠક અપક્ષને ફાળે ગઈ હતી. તમામ બેઠક પર 10મી જુલાઈએ મતદાન થયું હતું. આજે જાહેર થયેલાં પરિણામમાં કોંગ્રેસે ચાર, ટીએમસીએ ચાર, આપ-ડીએમકેને 1-1 બેઠક મળી હતી. જ્યારે ભાજપને બે તથા અપક્ષનો એક બેઠક પર વિજય થયો હતો. આ 13 બેઠકમાંથી ભાજપ પાસે ત્રણ બેઠક હતી. પંજાબમાં જાલંધર પશ્ચિમ સીટ પર આપના મોહિન્દર ભગતે નિર્ણાયક જીત મેળવી હતી તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ તમામ ચાર બેઠક અંકે કરી હતી. હિમાચલ પ્રદેશમાં દેહરા બેઠક પર મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખ્ખુના પત્ની કમલેશ ઠાકુરની જીત થઇ છે. હિમાચલની અન્ય બે સીટમાંથી નાલાગઢમાં કોંગ્રેસ અને હમિરપુરમાં ભાજપની જીત થઇ છે.

ત્રણમાંથી બે બેઠક પર જીત બાદ મુખ્યપ્રધાન સુખ્ખુએ પ્રતિક્રિયા આપી હતી કે, હિમાચલ સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરનારાઓને જનતાએ જડબાતોડ જવાબ આપ્યો છે. હિમાચલમાં કોંગ્રેસને 40 સીટ સાથે બહુમતી મળવા છતાં અગાઉ વિધાનસભ્યોને ફોડીને અમારી સરકારને ઉથલાવવાના પ્રયાસો થયા એ જનતાને ગમ્યું નહોતું. તામિલનાડુમાં વિક્રાવાંદી બેઠક પર ડીએમકેના અન્નિયુર સિવા મતોના મોટા તફાવતથી જીત્યા છે. ઉત્તરાખંડની બદ્રીનાથ અને મંગલૌર બંને બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે, જ્યારે મધ્યપ્રદેશમાં અમરવાર સીટ ભાજપના કમલેશ પ્રતાપ શાહે જીતી છે. બિહારમાં રૂપૌલી બેઠક પર જેડીયુના કલાધર પ્રસાદ મંડલને હરાવી અપક્ષ શંકરસિંહે જીત મેળવી છે. લોકસભાની ચૂંટણી બાદ દેશનાં સાત રાજ્યોમાં વિધાનસભાની 13 બેઠકોની આ પેટાચૂંટણી થઇ હતી જેમાં વિપક્ષ ઇન્ડિયા બ્લોકે દસ બેઠક મેળવી છે જ્યારે એનડીએની માત્ર બે બેઠક પર જીત થઇ છે.

