IndiGo Flight Bomb Threat: અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ: ટિશ્યુ પેપર પર મળી હાઈજેક અને બોમ્બની ધમકી

Arati Parmar
2 Min Read

IndiGo Flight Bomb Threat: છેલ્લા કેટલાક સમયથી વિમાનોને ધમકીભર્યા સંદેશાઓ મળવાનો સિલસિલો યથાવત છે. આ દરમિયાન શુક્રવારે કુવૈતથી દિલ્હી આવી રહેલા ઈન્ડિગોના વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની અને હાઈજેક કરવાની ધમકી આપવામાં આવી હતી, જેના પગલે સાવચેતી રૂપે વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

હાઈજેક કરવાની અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મળતી માહિતી મુજબ, એક ટિશ્યુ પેપર પર લખેલી નોટમાં પ્લેનને હાઈજેક કરવાની અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ તમામ ૧૮૦ મુસાફરો અને તેમના સામાનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને દરેક મુસાફરની ઓળખની પુષ્ટિ કરવામાં આવી રહી છે. વિમાનનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

- Advertisement -

સુરક્ષા એજન્સીઓ એક્ટિવ, તપાસ ચાલુ

ધમકીભરી નોટ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સક્રિય થઈ ગઈ છે. એરપોર્ટના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અત્યાર સુધી કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી નથી. એરપોર્ટ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. સુરક્ષા તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને પ્રોટોકોલ મુજબ આગળની તપાસ ચાલુ છે. દિલ્હીની ફ્લાઈટમાં લગભગ બે કલાકનો વિલંબ થઈ શકે છે.

૧૮ અને ૨૨ જાન્યુઆરીએ પણ મળી હતી ધમકી

આજની ઘટના પહેલા ૧૮ જાન્યુઆરી અને ૨૨ જાન્યુઆરીએ પણ આવી જ ઘટનાઓ સામે આવી હતી. ૧૮ જાન્યુઆરીએ દિલ્હીથી પશ્ચિમ બંગાળના બાગડોગરા જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી હતી, જેને તાત્કાલિક લખનૌ તરફ વાળવામાં આવી હતી. ત્યારબાદ ૨૨ જાન્યુઆરીએ દિલ્હીથી પુણે જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટના ટોયલેટમાં હાથથી લખેલી ધમકીભરી નોટ મળી હતી, જેના પગલે પુણે એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

- Advertisement -
Share This Article